Gujarat

મેડિકલ સ્ટુડન્ટે જાતે ઇન્જેક્શનમાં દવા ભરી લઇ લેતા તબિયત બગડી

By GS TEAM
16 Jul 20251 min read
મેડિકલ સ્ટુડન્ટે જાતે ઇન્જેક્શનમાં દવા ભરી લઇ લેતા તબિયત બગડી

વડોદરા,સયાજી હોસ્પિટલમાં ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટર માનસિક તાણમાં ૧૭ દિવસ પહેલા ડિપ્રેશનની વધુ  પડતી ગોળીઓ લઇ લીધી હતી. ત્યારબાદ ગઇકાલે પણ તેણે ફરીથી ઇન્જેક્શનમાં  અજાણી દવા ભરી જાતે ઇન્જેક્શન લઇ લેતા તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ  સુરતના તાપીનો વતની અને મેડિકલ કોલેજ ન્યૂ બોયઝ હોસ્ટેલમાં રહેતા ૨૫ વર્ષના હર્ષ યોગેશભાઇ પટેલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્સી કરે છે. ત્રણ મહિના અગાઉ જ તેણે જોઇન્ટ કર્યુ હતું. હર્ષ પટેલે ગત ૨૯ મી તારીખે સાંજે છ વાગ્યે સયાજી હોસ્પિટલના વોર્ડમાં ભૂલથી વધુ પડતી  ગોળીઓ ખાઇ લેતા ચક્કર અને ગભરામણ શરૃ થઇ હતી. તેેને સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયત સુધરતા તેમના માતા - પિતા વતન લઇ ગયા  હતા. ત્યારબાદ ફરીથી તેણે જોઇન્ટ કર્યુ હતું. ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે તેણે ઇન્જેક્શનમાં અજાણી દવા ભરીને જાતે જ લઇ લેતા ગભરામણ અને બળતરા શરૃ થઇ હતી. જેથી, તે જાતે જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. હાલમાં તેની તબિયત સારી છે. તેના માતા - પિતા તેને પોતાની સાથે લઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હર્ષ ફેબુ્રઆરી મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હતો. તેના કારણે ગઇકાલે રાતે કંટાળીને તેણે જાતે ઇન્જેક્શન લઇ લીધું હતું.