ઊંઝા માર્કેટ યાર્ડમાં શુકનની હરાજીમાં એક મણ જીરાનો 51,111 રૂપિયા ભાવ બોલાયો
ગોંડલ યાર્ડમાં તાજેતરમાં એક મણ જીરાનો 36 હજાર ભાવ બોલાયો હતો
મહેસાણા, 6 જાન્યુઆરી 2023 શુક્રવાર
માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક આવવાની શરૂ થઈ ગઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજી માટે જીરૂ લઈને આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જીરૂની હરાજીમાં મણનો ભાવ 36 હજાર બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ત્યારે હવે ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ જીરૂની સારા પ્રમાણમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે. ઊંઝામાં જીરાની શુકનની હરાજીમાં 20 કિલો એટલે કે એક મણના 51,111 રૂપિયાની બોલી બોલાતા ખેડૂતો ખુશ થઈ ગયા હતાં. સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
જીરામાં અંદાજિત ખેડૂત ભરતી 65 થી 70 કિલો હોય છે
સામાન્ય રીતે ઊંઝા APMCમાં સિઝન દરમિયાન રોજની 25થી 30 હજાર બોરી આવક થતી હોવાનું ખેડૂતોના મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતું નાના ખેડૂતો કે જેઓ માત્ર બે ત્રણ બોરી લઈને આવે છે તેમને આ વખતે પાકના સારા પૈસા મળવાથી તેમનામાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. આમ જોવા જઈએ તો જીરામાં અંદાજિત ખેડૂત ભરતી 65 થી 70 કિલો હોય છે. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતોની જરૂ વેચવા માટે લાઈનો લાગી છે.
નવા જીરૂની 1500 ગુણીની આવક જોવા મળી
આ પહેલાં ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરૂની 1500 ગુણીની આવક જોવા મળી હતી. હરાજીમાં 36 હજાર જેટલો ઉંચો ભાવ બોલાતા ખેડૂતો આનંદથી ઉછળ્યા હતાં. અગાઉ ડિસેમ્બર માસમાં ગોંડલ માર્કેટમાં જીરૂની મબલક આવક નોંધાઇ હતી તેમાં એક દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઇ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઇને 5 હજાર 800 સુધીનો એક મણનો ભાવ બોલાયો હતો. જ્યારે આ વખતે નવા જીરૂનો ભાવ 36 હજાર બોલાતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો.