Gujarat

પંચર કરી રહેલા ડમ્પર સાથે બીજુ ડમ્પર અથડાતા ભીષણ આગ લાગી

By GS TEAM
15 Jun 20251 min read
પંચર કરી રહેલા ડમ્પર સાથે બીજુ ડમ્પર અથડાતા ભીષણ આગ લાગી

- લખતર-વિરમગામ હાઈવે પર ઓળક નજીક અકસ્માત

- આગ લાગતા બંને ડમ્પર બળીને ખાક થયા : એક ડમ્પરના ક્લિનરને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ પાસે વહેલી સવારે એક ડમ્પરને પાછળથી અન્ય ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જ્યારે અકસ્માત બાદ બંને ડમ્પરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર એક ડમ્પર પથ્થર ભરીને વિરમગામ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ઓળક ગામ પાસે ડમ્પરમાં પંચર પડતા ચાલકે રોડની સાઈડમાં ડમ્પર ઉભું રાખ્યું હતું અને ટાયર બદલવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે પાછળથી પુરઝડપે આવતા અન્ય એક ડમ્પરના ચાલકે ઉભેલા ડમ્પરને ઘડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પર ઉભેલ પથ્થર ભરેલ ડમ્પર રોડની સાઈડમાં ગટરમાં ખાબક્યું હતું. અકસ્માત બાદ બંને ડમ્પરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં એક ડમ્પરના ક્લીનરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. લખતર પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિકને હળવો કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.