Gujarat

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી

By GS TEAM
24 Feb 20261 min read
નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી

- બાઈક અને ટાયરો બળીને ખાખ થઈ ગયા

- ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી હતી

નડિયાદ : નડિયાદના રામ તલાવડી વિસ્તારમાં આવેલા બે બંધ ગેરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા બાઇક અને ટાયરો બળીને ખાખ થઈ ગયા છે. મિશન રોડ પર એલીમ ચર્ચ સામે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની ટળી છે.

નડિયાદ શહેરના રામ તલાવડી વિસ્તારમાં આવેલા બે બંધ ગેરેજમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મિશન રોડ પર એલીમ ચર્ચની સામે આવેલા આ ગેરેજમાં આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં ગેરેજની અંદર પાર્ક કરેલી એક બાઈક અને મોટા જથ્થામાં રાખેલા જૂના ટાયરો આગની ઝપેટમાં આવી ગયા હતા. ટાયરો સળગવાના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પરંતુ ગેરેજમાં રહેલી મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.