- શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
- ચોટીલા અને થાનની ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ
થાન : થાન સ્થિત સુપ્રસિદ્ધ જોગ આશ્રમમાં આજે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આશ્રમની નીચેના ભાગે આવેલા સ્ટોર રૂમમાં અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આગની ગંભીરતાને જોતા તાત્કાલિક થાન નગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે, આગ વધુ ફેલાતા ચોટીલા નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વકરતી અટકાવી કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં સ્ટોર રૂમમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની ખુરશીઓ, પીવીસી પાઈપ અને અન્ય સામાન બળીને ખાખ થઈ જતા મોટાપાયે આથક નુકસાન થયું છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સકટ અથવા અન્ય કોઈ અકગમ્ય કારણ હોવાનું અનુમાન છે. આશ્રમમાં જે સમયે આગ લાગી ત્યારે સદનસીબે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની અને આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.


