મોરબીના અણીયારી ટોલનાકા નજીક પેપર મિલમાં વિકરાળ આગ ભભૂકી
મેજર કોલ જાહેર કરીને ચાર શહેરોનાં ફાયર બ્રિગેડની મદદ લેવાઈ
અકળ કારણોસર લાગેલી આગ થોડી જ મિનિટોમાં વિકરાળ બની અને ૨૦,૦૦૦ ટન જેટલો વેસ્ટ પેપરનો જથ્થો ઝપટમાં આવી જતાં અફરા-તફરી
વિગત પ્રમાણે, મોરબીના અણીયારી ટોલનાકા પાસે આવેલી લેમીટ પેપરમિલ નામની ફેકટરીમાં આજે બપોરે ૩ વાગ્યાના અરસામાં કોઈ કારણસર વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી હતી અને જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. જેથી પેપરમિલના કર્મચારીઓ દ્વારા હાથવગાં સાધનોથી આગ બુઝાવવા પ્રયાસ કરવા સાથે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર સાથે ટીમ દોડી આવી હતી. પરંતુ આગ ખુબ વિકરાળ બની ગઈ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
પરિણામે રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની પણ મદદ માંગવામાં આવી હતી. જેના પગલે સાંજે છ વાગ્યે ચારેય શહેરોની ફાયર બ્રિગેડની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરીને પેપરમીલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરના જથ્થામાં ભભૂકેલી બેકાબુ આગને બુઝાવવા માટે કવાયત ચાલુ કરી હતી. જો કે, મોડી સાંજ સુધી ફાયર ફાઈટરોની દોડધામ ચાલુ જ રહી હતી. સદનશીબે આગને કારણે કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ આગની ઝપટમાં ૨૦,૦૦૦ ટન જેટલો વેસ્ટ પેપરનો જથ્થો આવીને ભસ્મીભૂત થઈ ગયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વળી, આગ પર કાબુ મેળવતા કલાકો નીકળી જશે તેવી માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઇ હતી. આ આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું નહોતું.