પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી
Panchmahal : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત હત્યાના કેસ વધી રહ્યા છે. હત્યારાઓને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ગુજરાતમાં પણ હવે ઉત્તર પ્રદેશ - બિહાર જેવો માહોલ બની ગયો છે. તાજેતરમાં જ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાની લાશ મળ્યાનો મામલો સામે આવ્યો છે. શહેરા તાલુકાના કુંડલા ગામની પરિણીતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
હત્યારાએ લાશને જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શહેરા તાલુકાના શહેરા ગામની 30 વર્ષીય પરિણીતા રંજનબેન કેવળભાઈ પટેલને બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પરિણીતાની હત્યા કરીને હત્યારાએ લાશને ડુમેલાવના જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી હતી. સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ સાથે લાશ પાસે શ્રીફળ અને ફુલનો હારનો ટુંકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું છે.
સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી
સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.