Get The App

કન્યાદાન કરનાર શખ્સે પુત્રીવત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News

કન્યાદાન કરનાર શખ્સે પુત્રીવત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું 1 - image

બાબરાના ગ્રામ્ય પંથકનો બનાવ આરોપીની પત્નીએ પણ મદદગારી કરીઃ બાબરા પોલીસમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવાઈ

બાબરા, : બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું કન્યાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ આ શખ્સના ઘરે રોકાવા આવતા ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યમાં તેની પત્નીએ પણ તેની મદદગારી કરી હોઈ આ અંગે યુવતી દ્વારા બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

દૂષ્કર્મનો ભોગ બનનાર પરિણીત યુવતીએ બાબરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી  કોરાના સમયે બીમાર રહેતી હોઈ તેમની સાથે પારિવારિક સંબંધ ધરાવતા અને બાબરાના એક ગામમાં રહેતા મામાદેવના ભુવા શરદભાઈ નામના શખ્સના ઘરે તેના માતા-પિતા સાથે અવારનવાર જતી. આ શખ્સે ત્યારે  તારા શરીરમાં કોઈકે કંઈક કરેલ છે. તારે અહીં રહેવું પડશે. તેમ કહેતા યુવતી 4 વર્ષ સુધી આ શખ્સના ઘરે રહી હતી. ત્યાર બાદ આ શખ્સે તેના ઓળખીતા પરિવારમાં યુવતીના લગ્ન કરાવ્યા હતા. તથા કન્યાદાન કરી પિતા તરીકેની ફરજ બજાવી હતી. 

તાજેતરમાં યુવતી સાસરેથી પોતાના પિયર સાતમ-આઠમનાં તહેવારમાં રોકાવા આવી હતી. તેણી પોતાના માતા-પિતા સાથે આ શખ્સના ઘરે આવી હતી. બાદમાં યુવતીના માતા-પિતાને તેમના ઘરે પરત મોકલી આ શખ્સે તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ કૃત્યમાં આ શખ્સની પત્નીએ મદદગારી કરી હતી. તથા આ બાબતે કોઈને વાત ન કરવાની યુવતીને ધમકી આપી હતી. બાદમાં યુવતીએ પોતાના પરિવારને બનાવ અંગે જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 

Tags :