પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો
Vadodara Railway Station : વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી આશરે રૂ.5 કરોડ ઉપરાંતના સોના સાથે એક શખ્સને રેલવે પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસના માણસો શંકાસ્પદ મુસાફરો પર વોચ રાખતા હતા દરમિયાન એક શખ્સ થેલામાં કેટલીક શંકાસ્પદ વસ્તુનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. ત્યારે રેલ્વે પોલીસની ટીમ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિને વડોદરા રેલ્વે સ્ટેશન પર રોકી તેની પૂછપરછ કરતા તે ગભરાયો હતો. પોલીસે તેની પાસેના થેલામાં તપાસ કરતા સોનાના દાગીના સહિતની વસ્તુઓ મળી હતી. પ્રાથમિક તપાસમાં અંદાજિત રૂપિયા પાંચ કરોડનું સોનું હોવાનું જણાયું હતું.
ઝડપાયેલા આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સોનાની દુકાનના માલિકો પાસેથી સોનુ ઉઘરાવીને લઈ જતો હોવાનું જણાવ્યું છે. સોના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.