જામનગર તાલુકાના વસઈ ગામ પાસેથી 132 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો: અન્ય બે ના નામ ખુલ્યા
જામનગર તાલુકાના વસઇ ગામના પાટીયા પાસેથી 132 નંગ ઇંગ્લીશ દારૂની બોટલના જથ્થા સાથે એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે આ કેસમાં અન્ય બે આરોપીઓના નામ ખુલવા પામ્યા છે.
જામનગર પોલીસ ની એલસીબી શાખા નો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો, ત્યારે દારૂ અંગેની બાતમી મળી હતી. જામનગર તાલુકાના વસઇ ગામના પાટીયા પાસેથી બાવળની ઝાળીમાંથી આરોપી યશપાલસિંહ ધનુભા જાડેજા ( રહે. ખાનપરગામ રામદેવ પીરના મંદીર પાસે તા.જી.મોરબી)ના કબ્જામાંથી રૂ. 1,97,604ની કિંમતની 132 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. તથા એક મોબાઇલ ફોન કિ. રૂ. 5,000 તથા મો.સા. કિ. રૂ. 30,000 મળી કુલ રૂ. 2,32,604ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
દારૂ સપ્લાય કરનાર આરોપી હેરભા ગઢવી (રહે. પરોડીયા તા. ખંભાળીયા) તથા દારૂ વેચાણ માટે મંગાવનાર આરોપી પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કટીયાર. (રહે. જામનગર)ના નામ ખુલવા પામ્યા હતા, આથી પોલીસે તે બંનેની પણ શોધખોળ શરૂ કરી છે.