Gujarat

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો

By GS TEAM
25 Dec 20251 min read
નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો

વાહન ચોરીનો ભેદ ઉકેલાયો 

શખ્સે અલીન્દ્રા અને ખેડા વેદ હોસ્પિટલ આગળથી ચોરી કર્યાની કબૂલાત કરી

નડિયાદ: ચકલાસી અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ખેડા એલસીબીએ સુરા સામળ ઇન્દિરા નગરીના શખ્સને ચોરીના બે બાઇક સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ખેડા એલસીબી સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદ તાલુકાના સુરા શામળ ઇન્દિરા નગરીમાં રહેતા જયદીપસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ બે મોટરસાયકલ પોતાના ઘર પાસે સંતાડી રાખેલા છે. જેથી પોલીસે રેડ પાડતા મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા શખ્સે જયદીપસિંહ વાઘેલા હોવાની ઓળખ આપી હતી. પોલીસે તેના ઘર પાછળથી મળેલા બે મોટરસાયકલના દસ્તાવેજો અને પુરાવા માંગતા તેના દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો કે સંતોષકારક જવાબ આપી શક્યો ના હતો. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા શખ્સે એક મોટર સાયકલ ૨૦ દિવસ પહેલા અલીન્દ્રાથી જ્યારે બીજુ મોટરસાયકલ ખેડા વેદ હોસ્પિટલ આગળથી ૩ મહિના પહેલા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ એલસીબી ખેડા પોલીસે ચકલાસી અને ખેડા ટાઉન પોલીસમાં નોંધાયેલ વાહન ચોરીના બે ગુના ઉકેલ્યા હતા.