સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ પાસે મોટો ભુવો પડ્યો, બેરીકેટ મુકાયા
Surat : સુરત શહેરમાં પડેલા વરસાદ બાદ શહેરના સંખ્યાબંધ રસ્તાઓ તૂટી ગયાં છે અને પાલિકા તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા ખાડાઓની જાદુઈ ગણતરી કરી રહી છે. આ ગણતરી વચ્ચે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ટ્રાફિકથી ધમધમતા બોમ્બે માર્કેટ વિસ્તારમાં અચાનક ભુવો પડી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. પાલિકાએ ભુવાની આસપાસ બેરિકેટિંગ કરી રીપેરીંગ માટેની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને પાલિકા વિસ્તારમાં તુટેલા રસ્તા રીપેર કરવાની કામગીરી જોરમાં શરૂ કરવામાં આવી છે. જોકે, સંકલન બેઠકમાં સુરતમાં રસ્તા કઈ રીતે તૂટી રહ્યા છે અને રોડ તુટ્યા છે તેના માટે જવાબદાર કોણ છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ અધિકારીઓ જવાબ આપી શક્યા ન હતા. તો બીજી તરફ પાલિકા શહેરના ખાડા ગણતરી માટે જાદુઈ આંકડા જાહેર કરી રહી છે. દરમિયાન શહેરના ટ્રાફિકથી ધમધમતા બોમ્બે માર્કેટ પાસે આવેલા ખાડી મહોલ્લામાં મેઈન રોડ પર રસ્તા વચ્ચે મસમોટો ભુવો પડી પડી ગયો છે. આ ભુવો પડતા વાહન વ્યવહારમાં મુશ્કેલી ઉભી થઈ છે. પાલિકાએ બેરીકેટિંગ કરી દીધું છે જોકે, આ ભુવો પડ્યા બાદ લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.