Gujarat

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી

By GS TEAM
6 Oct 20251 min read
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP  હોસ્પિટલની લોન્ડ્રીમાં  આગ લાગતા અફરાતફરી મચી

  અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમા આવેલી લોન્ડ્રીમાં સોમવારે સવારે ૯ વાગ્યાના સુમારે આગ લાગતા હોસ્પિટલ પ્રાંગણમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે એ.સી.નીઈલેકિટ્રીક  ડકટમાં શોટ સરકીટથી લાગેલી આગ પંદર મિનિટમાં બુઝાવી દીધી હતી. આગથી ફેલાયેલો ધૂમાડો બહાર કાઢવા ફાયર વિભાગે લોન્ડ્રીના કાચ તોડવા પડયા હતા.સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, એસ.વી.પી.હોસ્પિટલમાં આગ લાગવાનો કોલ મળતાની સાથે નવરંગપુરા ફાયર સ્ટેશનના ત્રણ વાહન ઉપરાંત અલગ અલગ ફાયર સ્ટેશનના મળી કુલ બાર વાહનો હોસ્પિટલ ખાતે પહોંચતા કરાયા હતા.વિભાગ દ્વારા આગ હોલવવાની કામગીરી સમયે તપાસ કરાતા એ.સી.ની ઈલેકટ્રિક ડકટમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં હતી.જેની મદદથી ગણતરીની મિનીટમાં આગ સંપૂર્ણરીતે કાબૂમા લેવાઈ હતી.હોસ્પિટલની આ લોન્ડ્રીમાં કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલના કપડા અને ચાદરો ધોવા માટે મોકલવામા આવતા હોય છે.