Get The App

કેશોદના બાલાગામમાં ઝાડીઝાખરા હટાવતું મશીન નદીમાં ફસાયું, બહાર કાઢવામાં નિષ્ફળતા

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
કેશોદના બાલાગામમાં  ઝાડીઝાખરા હટાવતું મશીન નદીમાં ફસાયું, બહાર કાઢવામાં નિષ્ફળતા 1 - image


કેન્દ્રીય મંત્રીએ ઉદ્દઘાટિત કરેલું કામ ટલ્લે ચડી ગયું : બે દિવસથી ક્રેઈન વડે બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં સફળતા મળતી નથી

જૂનાગઢ, : ઘેડ પંથક ચોમાસામાં જળબંબાકાર થતો હોવાથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દે બને છે. ઘેડને જળબંબાકારમાંથી બચાવવા માટે કરોડો રૂપીયાના પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાનું કામ કેન્દ્રીય મંત્રીના હસ્તે કેશોદના બાલાગામથી ઉદ્દઘાટન કરી શરૂ કરવામાં આવ્યું હતું. કામ શરૂ થયા બાદ હિટાચી મશીન નદીમાં ફસાઈ જતા બે દિવસથી ક્રેઈન વડે બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં સફળતા મળતી નથી.

ઘેડ મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી રાજનીતિ ચાલી રહી છે. જૂનાગઢ અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ચોમાસામાં ભારે મુશ્કેલી સર્જાય છે. સ્થળ ત્યાં જળ જેવી હાલત થઈ જાય છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ ઘેડના પ્રશ્નનું નિરાકરણ કરવાની ચૂંટણી સમયે ખાતરી આપી હતી. થોડા સમય પહેલા રાજ્ય સરકારના બજેટ સત્રમાં ઘેડ માટે કરોડો રૂપીયાની જાહેરાત કરવામાં આવી હતી. ઘેડની સમસ્યાના નિરાકરણના ભાગરૂપે નદીઓમાંથી ઝાડીઝાખરા દુર કરવાના કામનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. બાલાગામની સીમમાં હિટાચી મશીનથી ઝાડીઝાખરા દુર કરવાનું કામ ચાલું થયું ત્યારે નદીમાં હિટાચી મશીન ઉતારવામાં આવ્યું હતું. આ મશીન પાણીમાં ફસાઈ જતા કામ અટકી પડયું છે. બે દિવસથી મશીનને બહાર કાઢવા માટે એક ક્રેઈન, બીજુ હિટાચી મશીન લાવી રસ્સા બાંધી ફસાયેલા હિટાચીને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ મશીન બહાર નીકળતું નથી.  ખરા અર્થમાં ઝાડીઝાખરા દુર કરવા માટે કટર મશીનની જરૂર હતી, ઝાડીઝાખરાને બદલે નદી અનેક જગ્યાએ તુટી ગઈ છે ત્યાં આરસીસીના પાળા બનાવવાની જરૂરી છે તેને બદલે એકાદ જગ્યાએ માટીનો પાળો બનાવી સંતોષ માની લેવામાં આવ્યો છે, ઘેડની સમસ્યાના નિરાકરણ માટેની કામગીરી માત્ર દેખાડા પુરતી જ છે, ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેખાડા પુરતી કામગીરી શરૂ કરવામાં આવી છે, વરસાદ થયા બાદ તમામ કામગીરી બંધ થઈ જવાની છે. 

Tags :