Gujarat

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું

By GS TEAM
27 Nov 20252 mins read
પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું

- ઘટનાની જાણ થતા બંને પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ 

- મોતનું કારણ હજુ અકબંધ : પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી 

કપડવંજ : પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી કપડવંજ તાલુકાના આંબલીયારા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પોેલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, મોતનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસની તપાસ બાદ આશાસ્પદ યુવક-યુવતીના મોતનું કારણ બહાર આવે તેવી શક્યતા છે. 

કપડવંજ ખાતે નર્મદા કેનાલ અવારનવાર ઝંપલાવવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેેશનમાં મૃતક યુવાનના મોટાભાઈ રાહુલભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જતીનકુમાર નવનિતભાઈ ઝાલા (ઉ.વ. ૧૯, રહે. મોટા રામપુરા, તા કપડવંજ) અને હસમીતાબેન મોહનભાઈ રાઠોડ (ઉં.વ.૨૦, રહે. દુધાથલ, તા. કપડવંજ) બંનેનેે પ્રેમ સંબંધ હતો. બુધવારે બંનેએ એકબીજાની કેડે દુપટ્ટો બાંધીને આબંલીયારા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

યુવાનનો પરિવાર જતીનભાઈની શોધખોળ કરતો હતો તે દરમિયાન આંબલીયારા કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતા યુવક-યુવતીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને કેનાલમાંથી કેડે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે જાણ કરવામાં આવતા કપડવંજ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડયા હતા. આશાસ્પદ યુવક-યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસ બાદ યુવક-યુવતીના મોતનું કારણ બહાર આવે તેવી શક્યતા છે.