ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું
રાવલ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો
ઘટનાને છુપાવવા મૃતદેહને નદીમાં ફેંકી જનાર નગડીયાના બે ખેડૂતની અટક, વન વિભાગે બનાવનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
રાવલ નદીમાંથી મળી આવેલા સિંહના મૃતદેહના મામલે જશાધાર રેન્જની ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરતા મહોબતપરા અને નગડીયાની સીમમાં ખેતર પાસે ટ્રેકટર-ટ્રોલીના ટાયરના નિશાન જોવા મળ્યા હતા. તેમજ ટીમે ધોકડવા મેઈન રોડ પર આવેલા ત્રીસથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસ્યા હતા. જે આધારે નગડીયા ગામના મુકેશભાઈ વશરામભાઈ બલદાણીયા અને કમલેશ મગનભાઈ કલસરીયાની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. તેઓએ ૧૫ વિઘાનું ખેતર ભાગીયામાં રાખી મગફળી વાવી હતી. આ વાવેતરને જંગલી ભૂંડથી બચાવવા ખેતર ફરતે લોખંડની કાંટાળી તાર બનાવી તેમાં વીજ કરંટ મુક્યો હોવાનું અને જેનાથી સિંહનું મોત થયાનું તેમજ ટ્રેકટર-ટ્રોલી મારફત નદીમાં મૃતદેહને ફેંકી તેની પર ઘાસ નાખી ઘટનાને છુપાવવાનું તરકટ રચ્યાનું બંને ખેડુતોએ કબૂલાત કરી લીધી હતી. વન વભાગે બંને ખેડૂતને સાથે રાખી બનાવનું રિ-કન્સ્ટ્રકશન અને તેમના ઘરનું સર્ચ ઓપરેશન કરી ટ્રેકટર- ટ્રોલી કબ્જે લીધી હતી. તપાસમાં પીજીવીસીએલની ટીમને પણ સાથે રખાઈ હતી. વન વિભાગ વધુ વિગતો મેળવવા માટે આવતીકાલે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરનાર છે.