- ચારૂસેટ યુનિવસટીનો પદવીદાન સમારોહ યોજાયો
- 2794 છાત્રોને ડિગ્રી અપાઈ : 45 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 38 ને ડોક્ટરેટ સહિત સુવર્ણ ચંદ્રક અપાયા
આણંદ : ચારૂસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે યુવાનોએ ઉદ્દેશ અને લક્ષ્ય નક્કી કરી તેના ઉપર દ્રઢ મનોબળ સાથે આગળ વધવા આહ્યવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, ઉદ્દેશ વગરનું જીવન ક્યારેય સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. વ્યક્તિએ પોતાની કારકિર્દી સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપવાનો સંકલ્પ લેવો જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો ભલે પ્રાઇવેટ ક્ષેત્રમાં કાર્ય કરે, ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાય, સંશોધન કરે કે શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપે, પરંતુ જે પણ માર્ગ પસંદ કરે તે માર્ગે દેશના વિકાસ માટે યોગદાન આપવાનો સંકલ્પ રાખવો જોઈએ. મહાન ભારતની રચના એવો ઉદ્દેશ છે કે, દરેક ક્ષેત્રમાંથી તેની પૂત શક્ય છે. જીવનમાં ક્યારેય નાનું સ્વપ્ન ન જોવું, સ્વપ્ન હંમેશા મોટું જ જોવું જોઈએ. નિષ્ફળતાનો ડર દૂર કરીને પુરુષાર્થ કરવાની હિમ્મત રાખવામાં આવે તો સફળતા નિશ્ચિત મળે છે. ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર વ્યક્તિગત આવક માટે નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કેવી રીતે થઈ શકે તેનો સતત વિચાર કરવો જરૂરી છે. શિક્ષણ ક્યારેય પૂર્ણ થતું નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી શીખવાની ભાવના જાળવવી જોઈએ. પોતાની અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દેવા પર ભાર મૂક્યો હતો.
શાહે ચરોતરની પવિત્ર ધરતીને ભારત માટે અનમોલ યોગદાન આપનાર ગણાવી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભાઈ કાકા અને વિદ્વાન એચ.એમ. પટેલ જેવા મહાન વ્યક્તિત્વોનું સ્મરણ કર્યું હતું, જેમણે દેશના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.
ચારૂસેટ યુનિવસટીના પદવીદાન સમારોહમાં આજે ૨,૭૯૪ છાત્રોને ડિગ્રી, ૪૨ વિદ્યાર્થીઓને ૪૫ ગોલ્ડ મેડલ અને ૩૮ વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી સહિત સુવર્ણ ચંદ્રકો આપવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહના પ્રારંભે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે સમારોહને ખુલ્લો મુકયો હતો. આ પદવીદાન સમારોહમાં પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યર્થીઓ હાજર રહ્યાં હતા.


