ચોરવાડીના પાટીયા નજીક રસ્તો પસાર કરતો દીપડો વાહનની હડફેટે ચડયોે
વાહનની ઠોકરે ઘાયલ કરી દેતા રસ્તા પર પડયો રહ્યો : થોડીવાર માટે રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો
જૂનાગઢ, :જૂનાગઢ તાલુકાના બિલખા નજીક મોડી રાત્રીના સમયે અજાણ્યા વાહન હડફેટે એક દીપડો આવી ગયો હતો. દીપડાને ગંભીર ઈજા થતા રસ્તા પર પડી ગયો હતો. થોડીવાર માટે આ રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ અંગેની વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં દીપડો તેની રીતે રસ્તા પરથી ભાગી ગયો હતો. બિલખા નજીકના ચોરવાડીના પાટીયા પાસે મોડી રાત્રીના એક વાહન પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું ત્યારે અચાનક જ રસ્તો ઓળંગવા માટે દીપડો નીકળ્યો હતો. આ દીપડો વાહન હડફેટે આવી જતા તેને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત બનેલો દીપડો રસ્તા પર જ પડી ગયો હતો. અજાણ્યો વાહનચાલક દીપડાને હડફેટે લઈ નાસી ગયો હતો. ત્યાંથી અન્ય વાહનો પસાર થતા ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર દીપડાને જોતા થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ અંગે વનતંત્રને જાણ કરવામાં આવી હતી કે, વાહન હડફેટે એક દીપડાને ગંભીર ઈજા થતા રસ્તા પર પડયો છે. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે ગયો ત્યારે દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે વન વિભાગે જણાવ્યું હતું કે, વાહન હડફેટે દીપડાને ઈજા થઈ હતી પરંતુ થોડીવારમાં તે સ્વસ્થ થઈ જતા રસ્તા પરથી ખેતરો તરફ ભાગી ગયો હતો.