રાજકોટમાં વકીલના એક રાત બંધ મકાનમાં રૂ।. 9.76 લાખની ચોરી
લોકો ફરવા ઉપડયા અને સૂમસામ લત્તામાં તસ્કરોને રેઢુપડ મળ્યું : મેઈન દરવાજાનો લોક તોડી આખુ ઘર ફંફોળીને ઘરફોડી કરી: બીજા બનાવમાં કડીયા નવ લાઈનના શોરૂમમાં 4 લાખની ચોરી
રાજકોટ, : રાજકોટમાં સાતમ આઠમની રજામાં લોકો ફરવા ઉપડી જતા સોસાયટીઓ, બજારો સૂમસામ બની છે અને તસ્કરોને ખાતર પાડવા રેઢુ પડ મળી રહ્યું છે. નીલકંઠ પાર્કમાં માત્ર એક રાત માટે બંધ રહેલ એડવોકેટ પરિવારના ઘરમાં ઘુસેલા તસ્કરો રૂ।. 9,76,500ની રોકડ અને દાગીના ઉસેડી ગયા હતા તો બીજા બનાવમાં કડીયા નવલાઈનમાં શોરૂમમાં 4 લાખની ચોરી થઈ છે.
આ અંગે લુહાર એડવોકેટ આનંદ ગુણવંતભાઈ પરમાર (ઉ.વ. 52)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ તેઓ સાતમ તા. 18ના બપોરબાદ 3 વાગ્યે જામનગર ફરવા ગયા હતા અને બીજા દિવસે આઠમ તા. 19ની રાત્રે 9.15એ પરત આવ્યા હતા. સાતમની રાત્રિના કોઈ તસ્કર મેઈન દરવાજાનો લોક તોડીને ઘરમાં ઘુસ્યો હતો અને બેડરૂમમાં બનાવેલ કબાટમાંથી રૂ।.દોઢ લા રોકડા અને રૂ।. 1.75 લાખના પાંચ તોલા સોનાના દાગીના, ઉપરના માળે ઓફિસમાં સુટકેસમાંથી રૂ।. 90 હજાર રોકડા અને લાકડીના કબાટમાંથી રૂ।. 2.50 લાખ રોકડા તથા રૂ।. 3,11,500નું સોનુ મળી કૂલ રૂ।. 4.90 લાખ રોકડા અને રૂ।. 4.86 લાખના દાગીના સહિત રૂ।. 9.76 લાખની ચોરી કરી છે.
આ પરિવારના સભ્યો વકીલાતના વ્યવસાય સાથે બીજી પેઢીથી જોડાયેલા છે, ફરિયાદીના પિતા જી.સી.પરમાર પણ એડવોકેટ રહ્યા છે, આનંદ પરમારે જણાવ્યું કે તેમના પડોશીઓ પણ બહારગામ ગયા હતા. માત્ર એક રાત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.
બીજા બનાવમાં શહેરમાં રૂટીન દિવસોમાં ગીચ ટ્રાફિકથી સતત ધમધમતા ધર્મેન્દ્ર રોડ પર કડીયાનવલાઈન-2માં આવેલ નોવેલ્ટી ફેબ્રીક્સ નામનો શોરૂમ તા. 14 ઓગષ્ટની રાત્રિથી તા.15ની સવાર સુધી માત્ર એક રાત બંધ રહ્યો હતો અને તેમાં કોઈ તસ્કર ઘુસીને શોરૂમના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂ।. 4 લાખ ઉઠાવીને નાસી ગયા છે. જે અંગે જીતેશભાઈ લક્ષ્મીદાસ લાખાણી લુહાણા (ઉ. 55 રહે.સરદારનગર) એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં સાતમ,આઠમમાં બજારો બંધ હોય છે અને સોસાયટીઓ, મહોલ્લાઓમાં પણ ફરવાના ક્રેઝને કારણે એક સાથે મકાનો બંધ કરીને ફરવા જતા હોય છે જે અંગે પોલીસને જાણ કરવાની અને પોલીસ એ સ્થળે રાત્રિના સમયે પેટ્રોલીંગ ગોઠવે તેવી પરંપરા રહી છે પરંતુ, મોટાભાગે પોલીસને કાં તો જાણકારી હોતી નથી અથવા સ્વયંભુ ચૂસ્ત પેટ્રોલીંગ ગોઠવાતું નથી. પોલીસે હવે આરોપીઓ પકડવા તપાસ હાથ ધરી છે.