પેથાપુરમાં પોલીસનો દરોડો ઃ એક પકડાયો
ગામના જ શખ્સને પકડીને પોલીસ દ્વારા ૨૨૬ રીલ કબ્જે કરી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી
ગાંધીનગર,
સોમવાર
ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા
હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવનાર
પેથાપુરના વેપારીને પોલીસે કારમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને
તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વમાં પોલીસ દ્વારા આ દોરીને પકડવા
માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા
માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે ત્યારે
પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુરના ચરેડી
વડ ખાતે આવેલા શુભ બિઝનેસ પાર્કના ભોયરામાં એક કાર પડી છે અને તેમાં ચાઈનીઝ દોરીનો
મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને
કારમાં તપાસ કરતા એક શખ્સ હાજર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તે પેથાપુર વિસત
રોયલ ફ્લેટ ખાતે રહેતો દેવરાજસિંહ વનરાજસિંહ ચાવડા હોવાનું જણાવ્યું હતું. એટલું જ
નહીં પોલીસ દ્વારા કારમાં તપાસ કરવામાં આવતા તેમાં અલગ અલગ બોક્સની અંદર
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૨૨૬ રીલ મળી આવ્યા હતા. જેથી ૪૫ હજાર ઉપરાંતનો આ દોરીનો
જથ્થો જપ્ત કરીને વેપારી યુવાન સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને તે જથ્થો
ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી છે.


