ગુજરાત જમીન ટોચ મર્યાદા હેઠળ રૃા.૩૫ કરોડની ડભોઇના બારીપુરાની ૪૩.૧૮ લાખ ચો.ફૂ. ખેતીની જમીન શ્રી સરકાર કરી દેવાઇ

વડોદરા, તા.17 ડભોઇ તાલુકાના બારીપુરા ગામની વિવાદિત આશરે રૃા.૩૫ કરોડની ૪૩.૧૮ લાખ ચો.ફૂ. જમીન આખરે શ્રી સરકાર કરવાનો હુકમ થયો છે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે બારીપુરા ગામની જમીન ઘનશ્યામ બાબુભાઇ કાછડિયાના નામે વેચાણ હક્કે દાખલ થયા બાદ આ જમીનને બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ જમીન અંગે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ અંગે ચકાસણી કરવાની થતી હોય બિનખેતીની અરજી દફ્તરે કરવામાં આવી હતી. બાદમાં હાઇકોર્ટમાં અરજી દાખલ થઇ હતી.
હાઇકોર્ટના વલણ અને રેવન્યૂ અધિકારીઓ સામે થયેલી ટિપ્પણી અંગે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી હતી જેના પગલે કલેક્ટર કચેરી દ્વારા જમીનના જૂના કાગળો ફંફોસવામાં આવ્યા હતાં જેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ-૧૯૭૬માં કૃષિપંચ મામલતદાર દ્વારા આ જમીનના મૂળ માલિક સ્વ.નાથાભાઇ મગનભાઇ પટેલ સામે સિલિંગની કાર્યવાહી થઇ હતી બાદમાં ડેપ્યૂટી કલેક્ટર સમક્ષ પણ કેસ ચાલ્યો હતો અને નાથાભાઇ પટેલ વિરુધ્ધ ઓર્ડર થયા હતાં.
જે તે સમયે નાથાભાઇ ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને રેવન્યૂ રેકર્ડ પંચાયત હસ્તક રહેતું હતું જેથી સિલિંગ કાર્યવાહીની નોંધ રેવન્યૂ રેકર્ડમાં થવા દીધી ન હતી અને જમીન પોતાના નામે જ ચાલુ રાખી હતી. ગુજરાત જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારાથી બચવા માટે તેમણે પત્ની ગંગાબેન નામની બે મહિલા દર્શાવી હતી. ડભોઇ કૃષિપંચ મામલતદારની કોર્ટમાં સિલિંગ કેસ ચાલી જતા તેમણે હુકમ કર્યો હતો કે બારીપુરા ગામના મગન ભુલાભાઇ પટેલ, નાથાભાઇ મગનભાઇ પટેલ અને ગંગાબેન નાથાભાઇ પટેલ ત્રણે મૈયતના વારસદારો ધર્મેન્દ્ર કનુભાઇ પટેલ, દેવેન્દ્ર કનુભાઇ પટેલ, પિનાકીન કનુભાઇ પટેલ ૧૪૫૭૦૦૦ ચો.ફૂ. જમીન ધારણ કરવાને હક્કદાર ગણાય છે તેમણે વધારાની ૪૩૧૮૭૩૦ ચો.ફૂ. જમીન ધારણ કરી છે જે જમીન ટોચ મર્યાદા ધારાનો ભંગ હોવાથી તેટલી જમીન શ્રી સરકાર કરવી.








