તારી લોડિંગ રિક્ષાથી એક્ટિવાની નુકસાન થયું કહીને યુવકને લૂંટી લીધો
પૂર્વમાં જાહેરમાં તકરાર કરી નિર્દોષ નાગરિકોને માર મારી લૂંટી લેવાના વધતા બનાવો
લોડિંગ ચાલકને ગાળો બોલી પર્સમાંથી રૃા.૪૭૦૦ની લૂંટ ચલાવી
અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ જાહેરમાં તકરાર કરીને નિર્દોષ નાગરિકોને મારમારીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન સામે લોડિંગ રિક્ષા ચાલકને એક્ટિવા ચાલકે રોક્યો હતો અને તે મારા વાહનને નુકસાન કર્યું છે કહીને તકરાર કરીને ગાળો બોલવા લાગ્યો હતો અને ડરાવીને લોડિંગ ચાલકના પર્સમાંથી રોકડા રૃા. ૪૭૦૦ની લૂંટ ચલાવ્યા બાદ તારાથી જે થાય તે કરી લે કહીને આરોપી બિન્દાસ્ત ભાગી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કાલુપુર રેલવે સ્ટેશન સામે વાહન આડુ કરીને લોડિંગ ચાલકને ગાળો બોલી પર્સમાંથી રૃા.૪૭૦૦ની લૂંટ ચલાવી ઃ તારાથી થાય તે કરી લે કહી બિન્દાસ્ત ભાગી ગયો
અમરાઇવાડીમાં રહેતા અને લોડિંગ રિક્ષા ચલાવતા યુવકે કાલુપુર રેલવે સ્ટેશનમાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા.૫ના રોજ સાંજના સમયે કાલુપુર સર્કલ તરફથી લોડિંગ રિક્ષામાં સામાન ભરીને રાયપુર તરફ જતો હતો. ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન સામે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક એક્ટિવા ચાલક તેમની પાસે આવ્યો હતો.
લોડિંગ રિક્ષા ઉભી રખાવીને તારી લોડિંગ રિક્ષાથી એક્ટિવાને નુકસાન થયું છે જોઇને ચલાવ કહીને ગાળો બોલીને યુવકને ડરાવીને બળજબરીથી ખિસ્સામાંથી પર્સ કાઢીને તેમાંથી રૃા. ૪૭૦૦ લૂંટી લીધા બાદ તારાથી થાય તે કરી લે કહીને ત્યાંથી ભાગી ગયો હતો જો કે યુવક ગભરાઇને ઘરે જતા રહ્યો હતો. આ ઘટના અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે રીક્ષા ચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.