- ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમે એક એકર જમીન ખુલી કરી
- ઘોડા માટે બનાવેલા તબેલા પર બૂલડોઝર ફેરવી દેવાયું : સરકારી જમીન પર દબાણો ખડકી દેતા વાર્ષિક એક ટકાના દરે 28.09 લાખ વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરાઇ
સુરેન્દ્રનગર : ચોટીલા નેશનલ હાઇવે પર ખેરડી ગામ પાસે સરકારી જમીન પર ગેરકાયદે રીતે વર્ષોથી બનાવેલી હોટલ, બંગલો, સાત દુકાનો, ૩ મકાનો અને ઘોડાઘરના દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. અંદાજે ૧.૧૨ કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને સરકારી જમીન પર ૨૫ વર્ષથી કરેલા દબાણ અંગે વાર્ષિક એક ટકાના દરે ૨૮.૦૯ લાખની વસૂલાત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા નેશનલ હાઈવે પર ખેરડી ગામની સરકારી જમીન પર મંગળુભાઇ જીલુભાઈ ખાચર (રહે.ખેરડી તા.ચોટીલા)એ વર્ષ ૨૦૦૧થી ગેરકાયદેસર રીતે અંદાજે એક એકર સરકારી જમીન પર હોટલ બનાવી હતી. તેમજ શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ,ચા, પંચર, પાન મસાલા, કરિયાણાની દુકાનો, રહેઠાણ માટેનો બંગલો, હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના મકાનો તથા ઘોડા માટેનો તબેલો સહિતનું ગેરકાયદેસર પાકુ બાંઘકામ કર્યું હતુ. તેમજ હોટલમાં બાયોડીઝલ ,ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે અગાઉ નોટિસો આપવા છતાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હોતા.
જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામશિવલહેરી પરોઠા હાઉસ હોટલ (૨) ૭ દુકાનો (ચા, પાન મસાલા, પંચર તથા કરિયાણા વગેરે) (૩) રહેઠાણ માટેનો બંગલો (૪) હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના ૩ મકાનો અને (૫) ઘોડાઘર ( ઘોડા માટેનો તબેલો.) સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને અંદાજે રૂ.૧.૧૨ કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર ૨૫ વર્ષ થી કરેલા પાકા અંગે વાષક ૧% ના દરે કુલ ૨૫ વર્ષની વસૂલાત રૂ.૨૮.૦૯ લાખની વસૂલાત કરવા અંગેની તેમજ દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં થયેલા ખર્ચો દબાણકર્તા પાસેથી વસુલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


