ઉધનામાંબે મહિના પહેલા પરપ્રાંતિય યુવાનનું આપઘાત પ્રકરણ : ગૌમાંશ ખવડાવનાર પ્રેમિકામાંથી પત્ની બનેલી વિધર્મી યુવતીની ધરપકડ
- અંતિમ પગલા પૂર્વે ફેસબુક પર પત્ની અને સાળાએ જબરજસ્તી ગૌમાંશ ખવડાવી ત્રાસ આપ્યાની સ્યુસાઇડ નોટ લખી હતી
સુરત
શહેરના ઉધનાના પટેલનગરમાં રહેતા યુ.પીવાસી યુવાનને ગૌમાંશ ખવડાવા ઉપરાંત માનસિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમિકામાંથી પત્ની બનેલી મુસ્લિમ યુવતીની ઉધના પોલીસે ધરપકડ કરી છે. જયારે તેના ભાઇની શોધખોળ હજી ચાલી રહી છે.
ઉધના પટેલનગરમાં રહેતા યુ.પીવાસી અને ડાઇંગ મીલમાં નોકરી કરતા રોહિત અજીત પ્રતાપસિંગ (ઉ.વ. 27) એ ગત 27 જુને ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ચાર વર્ષ અગાઉ વતનમાં પિતાનું મૃત્યુ થતા માતા અને બે બહેન સાથે રોજગારી માટે આવેલા રોહિતે રહેણાંક સોસાયટીમાં રહેતી સોનમ હારૂન જલીલ શાહ (ઉ.વ. 27 મૂળ રહે. લાહરાપુર, જિ. ઔરૈયા, યુ.પી) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ભાઈ અખ્તર અલી સાથે રહેતી મૂળ ઉત્તરપ્રદેશના ઔરૈયા જીલ્લાના લાહરાપુરના કરચાલાની મુસ્લિમ યુવતી સોનમ સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમલગ્ન કર્યા હતા. સોનમે અગાઉ જાકીરઅલી ઇસ્માઇલ શાહ સાથે ડિવોર્સ લીધા હતા અને ભાઇ સાથે રહેતી હતી. સોનમ મુસ્લિમ હોવાથી સમાજમાં બદનામી થતા માતા વિનાદેવીએ ઘરમાંથી કાઢી મુકતા રોહિત સોનમની સાથે તેના ભાઇના ઘરે રહેતો હતો અને ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતનું આત્યાંતિક પગલું ભર્યુ તે પૂર્વે રોહિતે ફેસબુક પર સ્યુસાઈડ નોટ અપલોડ કરી હતી.
જેમાં લખ્યું હતું કે પત્ની સોનમ અને તેના ભાઈ અખ્તરે મારી નાંખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવતા તેમના ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યુ છે. આપઘાત માટે રોહિતને દુષ્પ્રેરણા આપનાર સોનમની વતન યુ.પી ખાતેથી ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. પોલીસ હાલમાં સોનમના ભાઇની શોધખોળ કરવા ઉપરાંત રોહિતનો મોબાઇલ ફોન અને સ્યુસાઇડ નોટ કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.