Get The App

એક ગુજરાતી ગઝલકારે વડાપ્રધાનને ઠપકો આપ્યો'તો, 'આ તે કેવી આઝાદી..!'

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
એક ગુજરાતી ગઝલકારે વડાપ્રધાનને ઠપકો આપ્યો'તો, 'આ તે કેવી આઝાદી..!' 1 - image

ગઝલ, મુક્તકોના માહિર સર્જક અમૃત 'ઘાયલ'ની આજે પૂણ્યતિથિ આઠો જામ ખુમારીથી છલકાતા આખાબોલા 'ઘાયલ' કહેતાં, 'મને ગઝલે જીવાડયો, મેં મુશાયરાને જીવાડયા..ટૂંકમાં હું ભરપેટ જીવ્યો છું'

રાજકોટ, : અમૃતલાલ લાલજી ભટ્ટ ઉર્ફ અમૃત 'ઘાયલ'. મુશાયરાની શાન અને ગુજરાતી ગઝલોની જાન એવા એ નિર્ભિક શાયર ખાનખાના નેતાઓને પણ સાચું સંભળાવી દેવાની ખુમારી ધરાવતા હતા. ૨૫ ડિસેમ્બર એમની પુણ્યતિથિ છે.

ઘાયલ સ્વભાવે સ્વમાની અને અડીખમ હતા. જવાહરલાલ નહેરુ રાજકોટ આવ્યા ત્યારે કાવ્ય બેઠક યોજાઈ હતી. આયોજકોનો ઈરાદો નહરુને ઉર્દુ કાવ્યો સંભળાવવાનો હતો પણ ઘાયલે નહેરુને કહ્યું 'હજૂર હમ તો અપની માદરી જબાન ગુજરાતીમેં  કલામ (કવિતા) કહેતે હૈ, શાયદ આપ ન સમજ પાયે તો માફ કીજીયેગા...' એ પછી ઘાયલે ગુજરાતીમાં રચેલું મુકતક ગાયું હતુંઃ જૂનું પાનું મકાન તો આપો...ધૂળ જેવું ય ધાન તો આપો, સાવ જુઠ્ઠું શું કામ બોલો છો ? કો'ક સાચી જબાન તો આપો, થોડો ઝાઝો હિસાબ તો આપો, સાચો ખોટો જવાબ તો આપો, બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો...આ કાવ્ય પાઠ સાંભળીને નહેરૂએ કહ્યું કે ઐસા ક્યું બોલતે હો? ત્યારે ઘાયલે કહ્યું હતું કે આઝાદીના વીસ વર્ષ પુરાં થવા આવશે, મારી શેરીની હજુ ગટર બની નથી. આ કેવી આઝાદી?!

ઘાયલ કહેતા, 'મારી શરતે મુશાયરા અને નસિયતમાં શાનથી ગયો છું અને જ્યાં મે કદમ રાખ્યા છે ત્યાં મુશાયરા અથવા મહેફિલોને એકલપંડે કામયાબી અપાવી છે. મને ગઝલે જીવાડયો છે, મે મુશાયરાને જીવાડયા છે. ગઝલોની તલાશમાં કોઠામાં ઘૂમ્યો છું, કવ્વાલીમાં બેઠો છું , એની સાથે ગાયું છે. સવારો -સવાર જાગ્યો છું. સાજિંદાઓ અને તવાયફોને દિલથી અને દોલતથી નવાઝયા છે, ટૂંકમાં હું ભરપેટ જીવ્યો છું.'

રાજકોટના ગૌરવરૂપ જિંદાદિલ શાયર 'ઘાયલ' વિશે થોડું...

અમૃત 'ઘાયલ'નો જન્મ 19 ઓગષ્ટ 1916માં, જ્યારે એમનો દેહાંત 25 ડિસેમ્બર- 2002માં થયો હતો. સરધારમાં ધોરણ સાત સુધી અભ્યાસ કરી એ પછી રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેણે મેટ્રિકનુુ શિક્ષણ લીધું હતુું. રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં એમણે બી.એ.ના પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યો હતો. એ પછી 1939થી 1949 સુધી પાજોદ દરબાર ઈમામુદ્દિન મુર્તજાખાન બાબી ઉર્ફે ગઝલ કાર રૂસ્વા મજલુમીના રહસ્યમંત્રી તરીકે રહ્યા હતા. તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ શૂળ અને શમણાં 1954માં. એ પછી રંગ, રૂપ, ઝાંય, અગ્નિ, ગઝલ નામે સુખ, આશ્ચર્ય વચ્ચે, પશ્ચાત, વગેેરે ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા. એમની સમગ્ર કવિતાઓનો સંચય 'આઠો જામ ખુમારી' 1994માં પ્રકાશિત થયો હતો. ગુજરાતી ગઝલમાં મહત્વના યોગદાન બદલ ગુજરાતી સાહિત્ય સભાએ 1993માં  રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો છે.