Get The App

કુડાસણમાં ચાલતા જતા મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
કુડાસણમાં ચાલતા જતા મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી 1 - image

ગાંધીનગરમાં ફરી ચેઇન સ્નેચરોએ દેખા દીધી

ખરીદી કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ઘર નજીક જ બાઈક ઉપર આવેલા સ્નેચરે બે લાખનો દોરો તોડી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ ફરી શરૃ થઈ છે ત્યારે કુડાસણમાં આવેલા અક્ષર હેવન પાસે ચાલતા જઈ રહેલા મહિલાના ગળામાંથી બાઈક ઉપર આવેલા ચેઇન સ્નેચર દ્વારા ૧.૯૫ લાખ રૃપિયાનો સોનાનો દોરો તોડી લેવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અટકી ગઈ હતી પરંતુ હવે ફરીથી ચેઇન સ્નેચરો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી ગાંધીનગર શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બનતી હતી પરંતુ હવે ન્યુ ગાંધીનગરમાં એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે. ખાસ કરીને રાંદેસણ, કુડાસણ અને સરગાસણ વિસ્તારમાં ભીડભાળ વાળા વિસ્તારમાં પણ ચેઇન સ્નેચિંગ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજના સમયે કુડાસણમાં આવેલા અક્ષત હેવન પાસે વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના બનવા પામી હતી. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની રાધે હોમ્સ વસાહત ખાતે રહેતા અશોકભાઈ અંબાલાલ પટેલના પત્ની લીલાબેન ગઈકાલે તેમના ઘરેથી ચાલતા ખરીદી કરવા માટે નીકળ્યા હતા અને તેઓ સોસાયટીથી થોડીક દૂર ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી એક શખ્સ બાઇક સવાર આવ્યો હતો અને તેમના ગળામાં પહેરેલી ૧.૯૫ લાખ રૃપિયાની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયો હતો. જોકે લીલાબેને બુમાબુમ કરી હોવા છતાં આ ચેઇન સ્નેચર હાથમાં આવ્યો ન હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને હાલ સીસીટીવીના આધારે ચેઇન સ્નેચરને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.