Gujarat

સુરત પાલિકાની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન સામાજિક એખલાસના દર્શન

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવના બીજા દિવસે સામાજિક એખલાસના દર્શન થયાં હતા.સુરત શહેરમાં સરકારી શાળામાં પ્રવેશ માટે આવેલા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં પ્રવેશ આપીને કોમી એખલાસનો માહોલ ઉભો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન સામાજિક એખલાસના દર્શન

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવના બીજા દિવસે સામાજિક એખલાસના દર્શન થયાં હતા.સુરત શહેરમાં સરકારી શાળામાં પ્રવેશ માટે આવેલા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં પ્રવેશ આપીને કોમી એખલાસનો માહોલ ઉભો કર્યો હતો. શહેરના કોઈ પણ બાળક અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટે  સરકાર સાથે સમાજના અગ્રણીઓ પણ આગળ આવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે. 

ગુજરાતની પેટા ચૂંટણીના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રવેશોત્સવ લંબાયો હતો. જોકે હાલ સુરતમાં વરસાદ અને ખાડી પુરની સ્થિતિ છે તેની વચ્ચે સલામત શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. દરમિયાન આજે શહેરના કોટ વિસ્તાર અને લઘુમતી વિસ્તારમાં પણ પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે કોમી એખલાસ જોવા મળ્યો હતો. 

સુરત પાલિકા દ્વારા ગુજરાતી ઉપરાંત સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ સમિતિમાં હાલ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સુરતના દરેક ખૂણામાં એક પણ બાળક અભ્યાસ વિના ન રહે તે માટે સમિતિ દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવ કરવામાં આવે છે. છેલ્લા ચારેક વર્ષ થી સુરત પાલિકાએ બાલવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ યાદગાર બને તે માટે કુમકુમ પગલા સાથે પ્રવેશ આપે છે અને તે પગલા વિદ્યાર્થીઓના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવે છે. 

સુરતની ગુજરાતી અને ઉર્દુ શાળામાં લઘુમતી સમાજના અનેક બાળકો અભ્યાસ કરે છે તેઓ પણ કુમ કુમ પગલાની પ્રથામાં સહજતાથી જોડાયા છે. લઘુમતી સમાજમાં પુજાને મહત્વ ન હોવા છતાં શાળામાં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણીઓ પણ ભારે ઉત્સાહ માં જોવા મળ્યા હતા.,કોટ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 130 ( શ્રીમતી કાશીબેન સિંગાપુરી) પ્રાથમિક શાળા સહિત અનેક શાળામાં પ્રવેશોત્સવ 2025 યોજવામા આવ્યો હતો. જેમાં લઘુમતી વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક સાથે પગલાં પાડીને પ્રવેશ આપ્યો હતો. આ વર્ષે પણ પ્રવેશોત્સવમાં સદ્દભાવના ના દર્શન થયા હતા.સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ પણ હોશે હોશે કુમકુમ પગલાં પડાવ્યા હતા. જેમાં વાલીઓ સાથે લઘુમતી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. 

કેટલીક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ વખતે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને મહાનુભવો સેલ્ફી પાડીને તેમના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવતી હતી. પાલિકા  દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે  કરવામાં આવતી પ્રવૃત્તિ ના કારણે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.