કોલ સેન્ટરમાં નોકર કરતી યુવતીને અવાવરૃ જગ્યાએ લઇ જઇ છેડતી
રેપિડો થકી એકવાર સંપર્કમાં આવ્યા પછી યુવતી અને ટુ વ્હીલર ચાલક ડાયરેક્ટ વાત કરતા હતા
વડોદરા,યુવતીએ કોલ સેન્ટર પરથી મોડીરાતે ઘરે જવા માટે રેપિડો બૂક કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી અને વાહન ચાલકે સીધા વાત કરતા હતા. બે દિવસ પછી રાતે સાડા ત્રણ વાગ્યે ટુ વ્હીલર ચાલકે યુવતીને ઘરે છોડવાના બદલે અવાવરૃ જગ્યાએ લઇ જઇ હુમલો કરી બીભત્સ છેડછાડ કરી હતી. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મૂળ આસામની ૨૬ વર્ષની યુવતી હાલમાં ગોત્રી વિસ્તારમાં રહે છે અને કોલ સેન્ટરમાં નોકરી કરે છે. તેણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૪ મી તારીખે મેં રેપિડો બૂક કરાવી હતી. જેથી, મહેશભાઇ મને લેવા માટે આવ્યા હતા. ત્યારબાદ મેં તેમનો નંબર લીધો હતો. મેં તેઓને કહ્યું હતું કે, આવતીકાલે સાંજે પાંચ વાગ્યે મને લેવા આવજો અને રાતે સાડા ત્રણ વાગ્યે મને લેવા આવજો. બીજા દિવસે પણ સાંજે તેઓ મને લેવા આવ્યા હતા.રાતે અઢી વાગ્યે તેમણે મને કોલ કરીને કહ્યું કે, મેડમ હું નીચે આવી ગયો છું. મેં તેઓને કહ્યું કે, હજી મારૃં કામ પુરૃં થયું નથી. કામ પતી જશે એટલે હું તમને કોલ કરીશ.રાતે સાડા ત્રણ વાગ્યે મેં તેઓને કોલ કરીને કહ્યું કે, મારૃં કામ પુરૃં થઇ ગયું છે તમે આવી જાવ. થોડીવારમાં મહેશભાઇ આવી ગયા હતા.તેમના મોપેડ પર બેસીને અમે ત્યાંથી નીકળ્યા હતા. તે શોર્ટ કટ હોવાનું કહીને તેનું મોપેડ વીસેન્ઝા હાઇટ તરફ લઇ ગયો હતો. ત્યારબાદ તેણે મારી સાથે બળજબરી શરૃ કરી હતી. અમારા વચ્ચે ધક્કા મુક્કી થતા હું નીચે પડી ગઇ હતી. મારા ડાબા પગમાં ઇજા થઇ હતી. મારા ચશ્મા પડી જતા મને ઝાંખું દેખાતું હતું. તેણે મારો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. મેં બૂમાબૂમ કરતા થોડીવાર પછી તેણે મારો મોબાઇલ મને પરત કરી દીધો હતો. તેણે મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા. મેં મારા મિત્રને કોલ કરતા મહેશ ત્યાંથી ભાગી ગયો હતો. અટલાદરા પોલીસે આરોપી મહેશ નગીનભાઇ વાઘેલા (રહે. પરબડી ફળિયું, કલાલી ગામ) ની સામે ગુનો દાખલ કરી ઝડપી પાડયો હતો.