ગુજરાતી યુવકને UPમાં પરણેલી યુવતી 13.77 લાખની મત્તા ઓળવી ગઈ
UPની યુવતીની જાળમાં અમરાપુરનો બિઝનેસમેન ફસાયો : પોતાનાં ગામે બોલાવી ઝઘડો કરી લાકડી-છરીથી માર પણ માર્યો, માળિયાહાટીના પોલીસે છેતરપિંડી- વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો
જૂનાગઢ, : માળિયાહાટીના તાલુકાના અમરાપુર (સરકારી) ગામના બિઝનેસમેન યુવાને ઉત્તરપ્રદેશની યુવતીની જાળમાં ફસાઈ રૂ. 13.73લાખની માલમત્તા ગુમાવી હતી. યુવતીએ પોતાનાં ગામે બોલાવી એક મંદિરમાં તેની સાથે લગ્ન કર્યા બાદ ઝઘડો કરી લાકડી-છરીથી માર મારી રોકડ અને દાગીના ઓળવી લીધા હતા.
અમરાપુર (સરકારી) ગામે રહેતા અને હોટલ બિઝનેસ તથા કાર લે-વેંચનો વ્યવસાય કરતા અમીતભાઈ મહેન્દ્રભાઈ પંડયા (ઉ.વ.34) સાથે રહેવાનો સમજુતી કરાર કરી ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના ગરોઠા ગામની રોશની જવાહર નામની યુવતી લગ્ન કરવાની લાલચ અને વિશ્વાસ આપી તેમની સાથે રહેતી હતી. યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી તેને આપવા માટે આશરે રૂ. 10 લાખની કિંમતના અલગ-અલગ દાગીના બનાવી અમીતભાઈએ ઘરે રાખ્યા હતા.
દરમ્યાન ગત તા. 29-5-2025 ના અમીતભાઈ કામ સબબ જૂનાગઢ ગયા હતા ત્યારે મોકાનો લાભ ઉઠાવી યુવતી રોશની 10 લાખના ઘરેણા અને રૂ. 3.73 લાખની રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગઈ હતી. પાછળથી રોશનીએ અમીતભાઈને મેસેજ કરી ઝાંસી ખાતે બોલાવી લીધા હતા. બાદમાં ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલા વિષ્ણુ ભગવાનના મંદિરે ફુલહાર કરી લગ્ન સંપન્ન કર્યા હતા. લગ્ન કરી લીધા બાદ રોશનીએ પોત પ્રકાશી અમીતભાઈને સોનાના દાગીના તથા રોકડ નહી આપી તેમની સાથે ઝઘડો કરી ગાળો આપી લાકડી તથા છરી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની જાળમાં ફસાયેલા અમીતભાઈએ માળિયાહાટીના પોલીસમાં યુવતી રોશની જવાહર વિરૂધ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.સી. પટેલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.