દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા
યુવાનના ઘરમાં ઘૂસીને લાકડીઓથી હુમલો કરાયો
પોલીસે ચાર જેટલા અપહરણકારો સામે ગુનો દાખલ કર્યા ઃ દોઢ
વર્ષ અગાઉ કરેલા પ્રેમ લગ્નની અદાવત રાખી
ગાંધીનગર : દહેગામમાં રહેતા યુવાન દ્વારા દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે આ યુવતીના પરિવારજનો દ્વારા ગઈકાલે યુવાનના ઘરમાં ઘૂસીને લાકડીઓ વડે હુમલો કરી યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે દહેગામ પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને એકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને યુવતીની શોધખોળ પણ શરૃ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ
ખાતે રહેતા રવિ હિતેન્દ્રકુમાર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેણે આયુષી રબારી
નામની યુવતી સાથે દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને છેલ્લા બે મહિનાથી તેઓ
દહેગામમાં આવેલી શાહી કુટીર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે બપોરે ૦૨થ૩૦
વાગ્યાના સુમારે આયુષીના મામા કાનજીભાઈ રબારી તેમજ તેમના ઓળખીતા અન્ય ત્રણથી ચાર
લોકો એક મોપેડ અને કાર લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેમના ઘર નજીક પહોંચીને લાકડીઓ
સાથે ઘર તરફ આવ્યા હતા જેમણે આયુષીને બૂમો પાડીને પૂછયું હતું કે તું ક્યાં છે તને
લેવા આવ્યા છીએ. જોકે આયુષીએ તેમની સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે આ
શખ્સો દ્વારા બળજબરીથી તેણીને ખેંચીને ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ
કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ જવામાં આવી હતી. જોકે રવિ અને તેના પરિવારજનો
દ્વારા આયુષીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ શખ્સો દ્વારા
તેમની ઉપર લાકડીઓથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેથી રવિએ તુરંત જ ૧૧૨
હેલ્પલાઇનની મદદ લેતા પોલીસ આવી ગઈ હતી અને તેની ફરિયાદના આધારે અમદાવાદ કાળીગામમાં
રહેતા કાનજીભાઈ રબારી, દેહગામમાં
રબારીની મુવાડી ખાતે રહેતા કેવુલભાઈ રણછોડભાઈ રબારી, દેહગામમાં રહેતા દક્ષ જગદીશભાઈ રબારી અને ગોવિંદ કનુભાઈ
રબારી સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે મોડી રાત્રે પોલીસ
દ્વારા દક્ષ રબારીની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે
યુવતી અને અન્ય આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી હતી.
સાસરિયાએ ગોંધી રાખતા યુવતીએ જ બોલાવ્યાનો વિડીયો વાયરલ
દહેગામમાં આયુષી રબારી નામની યુવતીનું અપહરણ થયું હોવાની
ફરિયાદ તેના પતિએ નોંધાવી હતી ત્યારે હવે આ યુવતીનો વિડીયો બહાર આવ્યો છે. જેમાં
તે જણાવી રહી છે કે તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા તેણીને ગોંધી રાખવામાં આવી હતી.
જેના કારણે તેણે તેના પિયરિયાઓની મદદ માગી હતી અને તેઓ તેને લેવા માટે આવ્યા હતા
તો આ સંદર્ભે હાલ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરેલો છે ત્યારે પોલીસ યુવતીની શોધખોળ
કરી રહી છે અને તેના નિવેદન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી
રહ્યું છે.