જન્મ દિવસે જ યુવતીની છેડતી કરી નિર્લજ્જ હુમલો : 2 લુખ્ખાઓનું કૃત્ય

કાલાવડ રોડ પર બનેલી ઘટનાથી મહિલાઓની સલામતીના પ્રશ્નો ઉભા થયા : યુવતીના કપડાં ફાડી નાખ્યા, લુખ્ખાએ સીટી મારતા યુવતી અને તેના મિત્રએ ટપારતા ગાળો ભાંડી હુમલો કર્યો,
રાજકોટ, : શહેરના કાલાવડ રોડ ઉપર ગઈકાલે બર્થ ડેના દિવસે એક યુવતીની છેડતી કર્યા બાદ બે લુખ્ખાઓએ તેના અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પરંતુ મોડી સાંજ સુધી બંને લુખ્ખાઓની ઓળખ મળી નથી. પોલીસે જણાવ્યું કે 20 વર્ષની યુવતીનો ગઈકાલે જન્મદિવસ હતો. જેથી તે પોતાની સહેલી અને અન્ય મિત્ર સાથે બે ટુ વ્હીલર ઉપર ન્યારી ડેમ ફરવા ગઈ હતી. જયાંથી સાંજે ત્રણેય પરત ફરતા હતા ત્યારે કાલાવડ રોડ ઉપર જેનો બર્થ ડે હતો તે યુવતીની કેબીન નજીક ઉભેલા એક લુખ્ખાએ સીટી મારી છેડતી કરી હતી.
જેથી યુવતી અને તેનો મિત્ર તે લુખ્ખાને ટપારવા જતાં લાજવાના બદલે ગાજી ગાળાગાળી શરૂ કરી હતી. એટલું જ નહીં બાજુની ગેરેજમાંથી ડીસમીસ લઈ યુવતી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સાથો-સાથ તેના કપડા પણ ફાડી નાંખ્યા હતા. એવામાં ત્યાં તે લુખ્ખાનો સાગરીત ઘસી આવ્યો હતો. જેણે યુવતી અને તેની સાથે રહેલા મિત્ર ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો.
ત્યાર પછી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને લુખ્ખાઓની ઓળખ મેળવવા તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી ઓળખ નહીં મળ્યાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના સાથે જ શહેરમાં મહિલાઓની સલામતી બાબતે સવાલો ઉઠયા છે.









