ધો. ૮ ની વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ક્લાસના બહાને બેસાડી છેડતી કરી

વડોદરા,ધો.૮ માં ભણતી વિદ્યાર્થિનીને ટયુશન ક્લાસના એડમિન દ્વારા છેડતી કરવામાં આવી હતી. ગભરાઇ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઇને માતા - પિતાને વાત કરતા આ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અંગ્રેજી માધ્યમમાં ભણતી ધો. ૮ ની વિદ્યાર્થિની માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેના વિદ્યાલય ટયુશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. સવારે ૭ વાગ્યે વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી.બપોરે સ્કૂલેથી છૂટીને ઘરે આવે અને ત્યારબાદ સાયકલ લઇને ટયુશન ક્લાસ જતી હતી.ગઇકાલે ઘરે આવ્યા પછી વિદ્યાર્થિનીએ માતાને જણાવ્યું હતું કે, અમારા ટયુશન ક્લાસમાં વહીવટી કામકાજ કરતા વિક્રાંત સરે મને એક્સ્ટ્રા ક્લાસના બહાને અન્ય વિદ્યાર્થીઓ છૂટી ગયા પછી પણ બેસાડી રાખી હતી. તેમણે મારો હાથ પકડી ગાલ પર કિસ કરી હતી. આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.પી. પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થિનીને એવા રૃમમાં લઇ ગયો હતો. જ્યાં સીસીટીવી કેમેરા નહતા. પોલીસે આરોપી વિક્રાંત નીતિનભાઇ રાવળ (રહે. પ્લેટિનમ સ્કાય, હરણી) ની ધરપકડ કરી છે. આરોપી ટયુશન ક્લાસનું વહીવટી કામકાજ સંભાળે છે.








