Get The App

ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા 1 - image

- યુવતીએ ખેડૂતને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે હાથ અને છાતીના ભાગે ખેડૂતનું નામ લખીને ફોટા મોકલ્યા 

- ફેશન ડિઝાઇનિંગના અભ્યાસ માટે યુરોપના બેલ્જિયમ ખાતે ગઈ હોવાનું જણાવી ત્યાં ફસાઈ જવાનું નાટક રચી મોટી રકમની માંગ કરી પરંતુ ખેડૂતે યુવતીને જાન્યુઆરી ૨૦૨૫માં અમદાવાદના નારોલ વિસ્તારમાં રિક્ષામાં જતી પ્રત્યક્ષ જોતા ભાંડો ફૂટયો 

નડિયાદ : પ્રેમ અને વિશ્વાસના નામે ઓનલાઈન ઠગાઈનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની એક યુવતીએ મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામના ખેડૂતને પોતાની માયાજાળમાં ફસાવી, વિદેશમાં ફસાઈ હોવાનું નાટક રચી કુલ રૂપિયા ૭૫.૬૦ લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે ખેડૂતે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહેશભાઈ અંબાલાલ પટેલ નામના ૪૭ વર્ષીય ખેડૂત ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. વર્ષ ૨૦૨૨માં ક્વેક ક્વેક ડેટિંગ એપ્લિકેશન દ્વારા તેઓ પાલનપુરની ફાલ્ગુની દીપકભાઈ માલવીના સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ ખેડૂતને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે હાથ અને છાતીના ભાગે ખેડૂતનું નામ લખીને ફોટા મોકલ્યા હતા અને ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં યુવતીએ પોતે અમદાવાદ પીજીમાં રહેતી હોવાનું અને ઘરના સભ્યો મદદ ન કરતા હોવાનું કહીને ઘરવખરીનો સામાન અને કોલેજની ફીના નામે નાણાં પડાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતે ફેશન ડિઝાઇનિંગના અભ્યાસ માટે યુરોપના બેલ્જિયમ ખાતે ગઈ હોવાનું નાટક રચ્યું હતું. ત્યાં ગયા પછી કંપનીના મેનેજરે પાસપોર્ટ લઈ લીધો છે અને પોતે ફસાઈ ગઈ છે તેમ કહી ભારત પરત આવવા માટે સમયાંતરે મોટી રકમની માંગણી કરી હતી. 

ખેડૂતે પોતાની મહેનતની કમાણીમાંથી ટુકડે-ટુકડે કુલ ૭૫,૬૦,૦૦૦ જેટલી માતબાર રકમ યુવતીના વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી. આ છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે ખેડૂતે યુરોપમાં હોવાનો દાવો કરતી યુવતીને જાન્યુઆરી ૨૦૨૫માં અમદાવાદના નારોલ વિસ્તારમાં રિક્ષામાં જતી પ્રત્યક્ષ જોઈ હતી. આ અંગે પૂછપરછ કરતા યુવતીએ તેનો બોયફ્રેન્ડ તેને બ્લેકમેઈલ કરતો હોવાનું નવું બહાનું કાઢયું હતું. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ખેડૂતે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની માલવી વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

ડેટિંગ એપથી શરૂ થયેલી વાતચીત લાખોની ઠગાઈ સુધી પહોંચી

વર્ષ ૨૦૨૨માં ક્વેક ક્વેક નામની ડેટિંગ એપ પરથી શરૂ થયેલી આ ઓળખાણ બાદ આરોપી યુવતી ફરિયાદી ખેડૂતના ઘરે પણ આવી હતી. તેણે ખેડૂતના પરિવાર સાથે મુલાકાત કરી વિશ્વાસ જીતી લીધો હતો. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને યુવતીએ ખેડૂત પાસેથી વિવિધ બહાના હેઠળ ગુગલ પે અને બેંક ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા પડાવ્યા હતા.

કુલ 10 જેટલા અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં મંગાવ્યા

આરોપી ફાલ્ગુનીએ માત્ર પોતાના જ નહીં પરંતુ તેના પિતા દીપકભાઈ માલવી અને અન્ય પરિચિતો જેવા કે અંકુશ, શારૂખ ગણેશ, વિક્રાંત અને કેશવ દિનકર સહિતના કુલ ૧૦ જેટલા અલગ-અલગ ખાતાઓમાં ખેડૂત પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ તમામ નાણાંકીય વ્યવહારોના સ્ક્રીનશોટ પોલીસે પુરાવા તરીકે મેળવ્યા છે.