Gujarat

ટ્રેક્ટર પરથી પટકાતા બાળકીનું ટાયર નીચે ચગદાઈ જવાથી મોત

By GS TEAM
23 Feb 20262 mins read
ટ્રેક્ટર પરથી પટકાતા બાળકીનું ટાયર નીચે ચગદાઈ જવાથી મોત

પિતાની બેદરકારીએ માસૂમ દીકરીનો જીવ લીધો

શ્રમજીવી દંપતી ટ્રેક્ટરમાં બાળકોને લઈને સે-૨૭ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન બનેલી ઘટના

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. પિતા દ્વારા પૂરઝડપે હંકારવામાં આવતા ટ્રેક્ટર પરથી નીચે પટકાતા ૬ વર્ષની માસૂમ બાળકીનું પોતાના જ પિતાના ટ્રેક્ટરના ટાયર નીચે ચગદાઈ જવાથી કરૃણ મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ મજૂરી કામ અર્થે અહીં આવેલા સોમીલાબેન ચારેલે ફરિયાદ નોંધાવી હતી કે આજે વહેલી સવારે ૩થ૦૦ વાગ્યે તેઓ તેમના પતિ બાલુ પુનીયા ચારેલ અને ચાર બાળકો સાથે ટ્રેક્ટર પર બેસીને સેક્ટર-૨૭ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સેક્ટર-૨૪ સાઈબાબા ચાર રસ્તા પાસે રસ્તામાં આવેલા બમ્પ પર પતિએ ટ્રેક્ટરની ગતિ ધીમી કરવાને બદલે બેદરકારીથી ટ્રેક્ટર કુદાવ્યું હતું. બમ્પ પર ટ્રેક્ટર ઉછળતા બાજુમાં બેઠેલી ૬ વર્ષની દીકરી કલ્પાના સમતુલન ગુમાવી નીચે ફેંકાઈ ગઈ હતી. કમનસીબે, ટ્રેક્ટરનું પાછળનું ભારેખમ ટાયર બાળકીના માથા પરથી ફરી વળતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાળકીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલે સેક્ટર-૨૧ પોલીસે મૃતક બાળકીની માતાની ફરિયાદના આધારે તેના પિતા બાલુ પુનીયા ચારેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.