ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા
- ગ્રામજનો રાતે ઉજાગરા કરી ચોકીદારી કરવા મજબૂર
- પશુ, બાળકને તાણી જવાનો ભયઃ મહિલાઓ કપડાં ધોવા જઈ શકતી નથી : રેસ્ક્યૂ કરવામાં તંત્રના ઠાગાઠૈયા
ઠાસરા : ઠાસરા તાલુકાના છેવાડાના ચેતરસુંબા ગામના પેટા ગામ કેરીપુરાનાં તળાવમાં છેલ્લા બે મહિનાથી એક વિશાળ મગરે ધામા નાખતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ઠાસરા તાલુકાના કેરીપુરા ગામની પ્રાથમિક શાળા અને ગામના રહેઠાણ નજીક આવેલા તળાવમાં બે મહિનાથી મહાકાય મગરને અવાર- નવાર જોઈ રહ્યા છે. તળાવમાં મગર વસવાટ કરતો હોવાથી ગ્રામજનો ભય વચ્ચે જીવી રહ્યા છે. તળાવની આસપાસથી પસાર થતા પણ લોકો ગભરાઈ રહ્યા છે.
આ અંગે ગ્રામજનોએ તા. ૧૨મી ઓગસ્ટે ડાકોરના વન વિભાગને જાણ કરતા અધિકારી વિજયભાઈ પટેલ અને કર્મચારી ચાવડા સ્થળ તપાસ કરી ગયા પછી ૧૨ દિવસ થવા છતાં મગરના રેસ્ક્યૂ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વન વિભાગ કોઈ અકસ્માત કે મગર કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે.
કેરીપુરા ગામમાં મગરના ભયથી મહિલાઓએ તળાવ પર કપડાં ધોવા જવાનું પણ બંધ કરી દીધું છે. પશુપાલકો પશુઓને તળાવે પાણી પીવડાવવા પણ લઈ જતા નથી મગર ગમે તે સમયે પશુઓને લઈ જાય તેવી સંભાવનાઓ છે. ગામમાં મગર ઘૂસી નુકસાન ન કરે માટે રાતે ઉજાગરા કરી ટોર્ચના સહારે ચોકીદારી કરવા મજબૂર બન્યા છે. ત્યારે સત્વરે મગરનું યોગ્ય સ્થળે રેસ્ક્યૂ કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અંગે ડાકોર જંગલ ખાતાનાં અધિકારી વિજયભાઈ પટેલનો રવિવારે મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હતું.