Gujarat

દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો

By GS TEAM
5 Aug 20252 mins read
દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન

પાંડવોની માતા કુંતીજીની તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયાં હતાં અને કુંતેશ્વર મહાદેવ તરીકે થયાં પ્રસિદ્ધ

ચુંવાળ પંથક એટલે દ્વાપર યુગનું હિડીમ્બા વનમાં પાંડવોએ કુંતેશ્વર મહાદેવની પુજા કરી હોવાની લોકવાયકા

માંડલ - શ્રાવણ માસ એટલે ભગવાની શીવની આરાધના કરવાનો વિશેષ મહિનો સમગ્ર ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે ત્યારે ચુંવાળ પંથકમાં આવેલા દેત્રોજ તાલુકાના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ પ્રાચિન અને ઐતિહાસિક છે.

આ કુંતેશ્વર મહાદેવનું મંદિર દંતકથાઓ અનુસાર લગભગ ૬ હજાર વર્ષ જુનું અને પૌરાણિક છે. કહેવાય છે કે, દ્વાપર યુગમાં આડાબીડ ઘનઘોર જંગલ જેને હિડીમ્બા વન પણ કહેવાતું હતું અને તે વિસ્તાર આ ચુંવાળ પંથક હતો. દ્વાપર યુગમાં કૌરવોના કપાટથી લાક્ષાગ્રહમાં દાઝેલા પાંડવો, માતા કુંતાજી અને સતી દ્વૌપદી સાથે વનવાસમાં ભટકતાં હતાં એ વખતે હિડીમ્બા વન તરીકે ઓળખાતાં આ ચુંવાળ પંથકમાં પહોંચી ગયા હતાં.

એ સમયે કુરુ કુળના મહારાણી અને પાંડવોની માતા કુંતાજીને એક વ્રત હતું કે મહાદેવજીના દર્શન અને પુજા-અર્ચના બાદ ભોજન કરવું, પણ આ ચુંવાળ પંથકમાં તેમને દુરદુર સુધી ક્યાંય શિવજીનું મંદિર દેખાયું નહીં અને માતા કુંતાજી આ વનમાં એક તળાવના કિનારે બેસીને શિવજીના જાપ કરવા લાગ્યા. કલાકોના કલાકો કુંતાજી જાપ કરતાં રહ્યાં અને અંતેય આસુતોષ ભગવાન ભોળાનાથ સ્વંયભૂ પ્રસન્ન થયાં. ૬ હજાર વર્ષ પહેલાં અહીં પ્રસન્ન થયેલા મહાદેવ કુંતેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. કુંતાજીએ અહીં ભગવાન શીવનું મંદિર બનાવવાનું નક્કી કર્યુ અને જયારે તેમનું લુંટાઈ ગયેલું રાજપાટ પાછુ મળ્યું ત્યારે માતાના સંપલ્પ અનુસાર મહારાજા યુધિીરે દ્વાપરયુગમાં અહીં ભવ્ય શિખરબદ્ધ મંદિર બંધાવ્યું હતું. 

દ્વાપર યુગના ૬ હજાર વર્ષ પછી આજે પણ ઈતિહાસમાં આ મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિર પૌરાણિક અને મહાભારત સમયનું છે અહીં વિશેષ મહીમા છે અને આજે પણ મનમાં કાંઈ ટેક રાખો તો ભગવાન કુંતેશ્વર મહાદેવ તમારો મનોરથ અવશ્ય પુરો કરે છે. અહીં દર શ્રાવણ માસમાં સવાર સાંજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, અહીં લોકો પોતાની આસ્થા મુજબ ભગવાનની પુજા અર્ચના કરે છે. હાલ શ્રાવણ માસમાં તહેવારો, સોમવારો જેવા અતિપાવન દિને વિશિષ્ટ શૃંગાર, મેળાઓ, ઉત્સવો થાય છે અને અહીં આવનાર તમામ લોકોની મનોકામના કુંતેશ્વર મહાદેવ પરિપુર્ણ કરે છે.