Get The App

પ્રજ્ઞાાચક્ષુ બેંક અધિકારીના ઘરમાં ઘૂસી ગઠિયાએ સોનાનો દોરો ચોરી લીધો

Updated: Jan 25th, 2025

GS TEAM


Google News
Google News
પ્રજ્ઞાાચક્ષુ બેંક અધિકારીના ઘરમાં ઘૂસી ગઠિયાએ સોનાનો દોરો ચોરી લીધો 1 - image


૧૦ અને ૨૦ રૃપિયાના બંડલ લેવાના હોવાનું કહી

પોલીસે ૧.૪૦ લાખના સોનાના દોરાની ચોરીનો ગુનો દાખલ કરીને ગઠિયાની શોધખોળ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૧માં રહેતા અને રિઝર્વ બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા પ્રજ્ઞાાચક્ષુ અધિકારીના ઘરમાં ઘૂસીને ગઠીયાએ બંડલ લેવાનું હોવાનું કહી તેમના ગળામાંથી ૧.૪૦ લાખની કિંમતનો સોનાનો દોરો સેરવી લીધો હતો. જેથી આ સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

ગાંધીનગરમાં ગઠીયા ટોળકીઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કાર્યરત પ્રજ્ઞાાચક્ષુ સાથે એક ગઠીયાએ છેતરપિંડી કરી છે. ગાંધીનગરના સેક્ટર-૧માં પ્લોટ નંબર ૫૬૨-૨માં રહેતા ભુપેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ ત્રિપાઠીને ૨૧ ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ રેપિડો ડ્રાઈવર મહેશ તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેણે એકવાર ભુપેન્દ્રભાઈને ઓફિસથી ઘરે મૂક્યા હતા.મહેશે રૃપિયા ૧૦ અને ૨૦ના બંડલની જરૃર હોવાનું જણાવ્યું હતું. સાંજે તે ભુપેન્દ્રભાઈના ઘરે આવ્યો ત્યારે ઘરકામ કરતો ચંદનસિંહ પણ હાજર હતો અને તેમના માતા-પિતા પહેલા માળે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન મહેશે ભુપેન્દ્રભાઈના ગળામાં પહેરેલા હનુમાનજીના પેન્ડન્ટવાળા સોનાના દોરાના આંકડા ઢીલા હોવાનું કહી તેને ફિટ કરવાનું બહાનું કર્યું અને થોડી વારમાં કામ હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો.જ્યારે ભુપેન્દ્રભાઈ વાશરૃમમાંથી બહાર આવ્યા ત્યારે ચંદને તેમના ગળામાં દોરો ન હોવાની વાત કરી. આ રૃ. ૧.૪૦ લાખની કિંમતનો સોનાનો દોરો શોધવા છતાં ન મળતાં આખરે તેમણે સેક્ટર-૭ પોલીસ મથકમાં મહેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા આ ગઠીયાની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

Tags :