તાલુકા પોલીસ મથકે અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ
પાણિયારે દીવો કરાવી વૃદ્ધાના સોનાના ઘરેણાં રૃમાલમાં બાંધી મંત્રોચ્ચાર કર્યા બાદ સેરવી લીધા
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે એક વૃદ્ધ મહિલા સાથે ગઠિયા દ્વારા છેતરપિંડીનો બનાવ બન્યો છે. ૬૨ વર્ષના વૃદ્ધાના કાનના સોનાના ઘરેણાં ઉતરાવી રૃમાલમાં બાંધી મંત્રોચ્ચાર કર્યા બાદ એક લાખના દાગીના સેરવી લીધા હતા. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રામગઢ ગામે રહેતા મણીબેન પરસોતમભાઈ છાશિયા ઘરે એકલા હાજર હતા ત્યારે ૩૦ વર્ષની ઉમરનો એક અજાણ્યો શખ્સ ઘર પાસે આવી વાતચીત કરવા લાગ્યો હતો. આ શખ્સે ઘરમાં માતાજીના નામે પાણિયારે દીવો કરાવ્યો હતો. ત્યારબાદ માતાજીના દીવાએ પગે લાગવાનું જણાવી અને વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાં રૃમાલમાં બાંધી પોટલું બનાવવાનું પણ જણાવ્યું હતુ અને ત્યારબાદ આ શખ્સે સોનાના ઘરેણા ભરેલ રૃમાલ વૃદ્ધાના માથા પર રાખી થોડા મંત્રોચ્ચાર કર્યા બાદ રૃમાલ પરત આપ્યો હતો અને પોતે નાશી છૂટયો હતો.
થોડા સમય પછી વૃદ્ધાએ રૃમાલ ખોલી તપાસ કરતા તેમાંથી સોનાના અંદાજે રૃ.૧,૦૧,૭૦૦ના ઘરેણાં ગાયબ થઈ ગયા હોવાનું માલુમ પડયું હતુ. આ અંગે વૃદ્ધાએ આસપાસના પાડોશીઓ સહિત સગા સંબંધીઓને જાણ કરી હતી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સોનાના ઘરેણાં લઈ છેતરપિંડી કરી નાશી છુટયા અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


