Bharuch News : સાંપા ટોલનાકા ઉપર બેરિયર તોડવા અંગે પોલીસ ફરિયાદની અદાવતે મિત્રો સાથે ભરૂચ જમવા જઈ રહેલ સાંપા ટોલનાકાના શિફ્ટ ઇન્ચાર્જની કારને દહેગામ પાસે આંતરી કારની તોડફોડ કરી શિફ્ટ ઇન્ચાર્જને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી ચાકુની અણીએ ફરિયાદ નહીં કરવાની ધમકી મામલે બે કારમાં સવાર ટોળકી સામે ભરૂચ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે રહેતો એજાજ જલાઉદ્દીન ચૌહાણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ સાંપા ટોલ પ્લાઝા ઉપર શિફ્ટ ઇન્ચાર્જ તરીકે કામ કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા.6 ના રોજ મારા મિત્ર પ્રદિપસિંહ રાજએ ફોન કરી કહ્યું હતું કે, તું ગાડી લઈ સાંપા ટોલનાકા ઉપર આવ ભરૂચ જમવા જઈએ. જેથી મેં કાર લઇ સાંપા ટોલ પ્લાઝા ઉપરથી પ્રદિપસિંહ રાજ, જાવીદ સિંધી તથા અનીશને બેસાડી ભરૂચ તરફ જવા નીકળ્યા હતા. તે વખતે દહેગામ ટોલનાકા પહેલા પાછળથી ઘસી આવેલ એક કારમાં ખાલી સાઇડે બેસેલા ઇકરામ ડંકીવાડાએ મારી કાર ઉપર દંડો ફટકાર્યો હતો. તેઓ મારી કારનો પીછો કરતા મે દહેજ તરફ કાર હંકારતા માર્ગ ઉપર પથ્થર મૂકી રસ્તો બંધ કર્યો હોય જેથી મેં કાર ઊભી રાખી હતી. આ વખતે મારી કારમાં બેસેલ પ્રદીપસિંહ નાસી છૂટ્યો હતો. જ્યારે પીછો કરી રહેલી કારમાંથી ઇકરામ ડંકીવાડા અને સમીરએ મારી કારના કાચ તોડી નાખી મને માર માર્યો હતો. આ દરમ્યાન મારી સાથે રહેલ જાવીદ સિંધી પીછો કરી રહેલી કારમાં જાતે જઈ બેસી ગયો હતો. અને સમીરે મને મારી જ કારમાં બેસાડી કહ્યું હતું કે હવે તને કોઈ મારશે નહીં હું તને તારા ઘરે મૂકી આવું છું. દયાદરાની નજીક બંને કારો ઉભી રાખી ઇકરામ તથા સમીરે મને ધમકી આપી હતી કે, અમે તારી સાથે જે કર્યું તે કોઈને કહીશ નહીં નહીં તો જાનથી મારી નાખીશું. આ વખતે અન્ય એક કારમાં સરફરાજ મલેક તથા અન્ય ત્રણ કેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. સરફરાજે મને લાકડાના દંડા વડે માર માર્યો હતો. તેમજ એક શખ્સે મારી કારને નુકસાન પહોંચાડ્યું હતું. મને કારમાં બેસાડી ચાકુ બતાવી ધમકી આપી હતી કે, તું કેસ કરીશ તો જીવતો છોડીશું નહીં. ત્યારબાદ મને કારમાંથી ઉતારી જતા રહ્યા હતા. મેં પરિવારને ઘટના અંગે જાણ કરતા મને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પખવાડિયા અગાઉ સરફરાજની કારે સાંપા ટોલ પ્લાઝા ઉપર બેરિયર તોડી નાખ્યું હતું. અને ટોલ પ્લાઝા કર્મીઓને અપશબ્દ બોલ્યા હતા. જે અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની અદાવત રાખી હુમલો કર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ઇકરામ ડંકીવાળા, સમીર, સરફરાજ મલેક તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


