Gujarat

લીંબડીયાની નર્મદા કેનાલમા મિત્રને બચાવવા ગયેલો મિત્ર પણ ડૂબી ગયો

By GS TEAM
30 Mar 20262 mins read
લીંબડીયાની નર્મદા કેનાલમા મિત્રને બચાવવા ગયેલો મિત્ર પણ ડૂબી ગયો

રાયપુર પાસે બે ભાઈઓના ડૂબવાની ઘટના બાદ

એકનો મૃતદેહ મળ્યો ઃ મૂળ ધોલેરાના અને હાલ અમદાવાદમાં રહેતા બે મિત્રો સાથે બનેલી ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાત અને ડૂબવાની ઘટના વધી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદના બે ભાઈઓ રાયપુર નર્મદા કેનાલમાં ડૂબ્યા હતા ત્યારે લીંબડીયા નર્મદા કેનાલમાં પણ મિત્રને બચાવવા જતા મિત્રો ડૂબ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે પૈકી એક યુવાનનો મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો.

નર્મદા કેનાલ કાંઠે ફરવા જવું કે હાથ-પગ ધોવા જવું ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે આવી જ એક ઘટના લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા બે યુવકો કેનાલના તેજ પ્રવાહમાં ડૂબી ગયા હતા. મળતી વિગતો મુજબ, સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન એક યુવક કેનાલના પાણીમાં હાથ-પગ ધોવા માટે નીચે ઉતર્યો હતો, પરંતુ અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને બીજો યુવક પોતાના મિત્રને બચાવવા માટે નિઃસંકોચ પાણીમાં કૂદ્યો હતો. જોકે, પાણીનો પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી બંને મિત્રો પાણીમાં લાપતા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ સુધી કોઈ ભાળ મળી નથી, તેની શોધખોળ અત્યારે પણ ચાલુ છે. ડભોડા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.