અમદાવાદમાં શહેરીજનોને મળશે રાહત, અકસ્માત ટાળવા એસ.જી હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ
Foot Over Bridge Will Be Built In Ahmedabad: અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં આ દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે
મળતી માહિતી અનુસાર, અમદાવાદના એસ.જી. હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે થતાં અકસ્માતોને ટાળવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ પાંચેય બ્રિજ ગોતા, થલતેજ, ગ્રાન્ડ ભગવતી હોટલ, રાજપથ ક્લબ અને વૈષ્ણૌદેવી નજીક બનશે. વર્ષ 2024માં જ આ કામ શરૂ કરી દેવાશે. બીજી તરફ, સરદાર પટેલ રિંગ રોડ પર પણ 108ના અંદાજે 80થી 100 વાહન માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. આ દરમિયાન જિલ્લા કલેક્ટરની રોડ સેફ્ટી બેઠકમાં અવારનવાર થતા અકસ્માતના સ્થળે બ્લેક સ્પોટ સાઇન બોર્ડ અને માર્કિંગ કરવાની પણ સૂચના અપાઈ હતી, જેથી રસ્તા પર ચાલીને જતા નાગરિકો પણ જીવલેણ અકસ્માતના ભોગ ના બને.