Gujarat

શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે

By GS TEAM
19 Nov 20252 mins read
શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે

- ફૂડ પાર્ક, ફૂડ સ્ટ્રીટ બનાવવા સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ છે

- અંદાજિત 3305 ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન, 24 કન્ટેનર રખાશે 

ભાવનગર : ભાવનગર શહેરમાં ઘોઘાસર્કલ વિસ્તારમાં અંદાજિત રૂપિયા ૬ કરોડના ખર્ચે ફૂડ પાર્ક, ફૂડ સ્ટ્રીટ બનાવવા સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ છે તથા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરમાં કલીન ફૂડ હબ / ફૂડ સ્ટ્રીટ બનાવવાના કોન્સેપ્ટને ધ્યાને લઇ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવનાર છે. શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઇ ફૂડ સેફટીના ધારા-ધોરણોનું પાલન કરાશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલ વિસ્તારમાં અંદાજિત ૩૩૦૫ ચો.મી. વિસ્તારમાં ફૂડ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ ફૂડ સ્ટ્રીટ / ફૂડ પાર્કમાં કુલ ૨૪ કન્ટેનર રાખવામાં આવશે તથા તે મુજબ એરીયા ફાળવવામાં આવશે, જેમાં સેન્ટ્રલ સીટીંગ એરીયા ઉપરાંત કન્ટેનરની ઉપર પણ સીટીંગ એરિયા રાખવામાં આવેલ છે જેથી ફૂડ પાર્કમાં વધુ સ્પેસ મળી શકે. 

ફૂડ પાર્કમાં પાર્કીંગ સહિતની તમામ જરૂરી સુવિધાઓ આવરી લઇ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટુ-વ્હીલર તેમજ ૪-વ્હીલર પાર્કીંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીટીંગ એરીયા (ગ્રાઉન્ડ તથા સેકન્ડ ફલોર પર), ટોઈલેટ બ્લોક વગેરેનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ શહેરમાં અન્ય સ્થળોએ પણ ફૂડ પાર્ક બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે. 

ફૂડ પાર્ક બનાવવા લાંબા સમયથી વાતો જ થાય છે 

ભાવનગર શહરના ઘોઘાસર્કલ વિસ્તારમાં ફૂડ પાર્ક, ફૂડ સ્ટ્રીટ બનાવવા માટે લાંબા સમયથી વાતો કરવામાં આવે છે પરંતુ હજુ કાગળ પર કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ કામગીરી ઝડપી થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે.