પોલીશ્ડમાં હીરાના ભાવમાં પાંચ ટકાના ઘટાડાએ ઉત્પાદકોની ઊંઘ ઉડાડી


-માઇનર્સને થયેલી નુકસાની સરભર કરવા માટે પોલીશ્ડનું બજાર ઊંચું લઈ જવાયું હતું, મોંઘા ભાવની રફ ખરીદનારા ભેરવાઇ ગયા

         સુરત,

આંતરરાષ્ટ્રીય બજારમાં પોલીશ્ડની માંગ થોડી ધીમી પડી છે. કામકાજ ઘટયાં છે. ત્યારે બીજીતરફ, પોલિશ્ડ હીરાના ભાવમાં 5 ટકાના ઘટાડાએ ઉત્પાદકો-કારખાનેદારોની ઊંઘ હરામ કરી છે. પડયાં ઉપર પાટુ જેવી હાલત થઈ છે. હીરા બજાર તથા સમગ્ર ઉદ્યોગ અત્યારે નાજુક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ નથી. અમેરિકા અને ચીન ખરીદીમાં ધીમા છે. જ્યારે ચીન અને તાઈવાન વચ્ચેનો નવો ઇસ્યુ હીરા બજારને પરેશાન કરશે એવો ડર પણ છે. ડોલરના રેટ જ્યારે ઊંચા હતાં ત્યારે રફ ખરીદી કરનારાં મેન્યુફેક્ચર્સ અત્યારે સૌથી વધુ ભીંસમાં છે. બજાર 5 ટકા તૂટયું હોવાથી, તેની અસર 7થી 8 ટકા જેટલી આવતી હોય છે. આને કારણે પોલીશ્ડના સ્ટોક વેલ્યુમાં પણ આપોઆપ ઘટાડો આવતા મોટી નુકસાની સહન કરવાની આવશે.

થોડા મહિના પહેલાં પોલીશ્ડના ભાવમાં આડેધડ થયેલા વધારાને કારણે કમાણી કરનારા વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સને હવે કમાણી ગુમાવી પડશે. બજાર તૂટતું હોય ત્યારે સામાન્ય રીતે માલ વેચનાર 2-3 ટકા તોડીને માલ વેચી દેતો હોય છે. બજાર પર આની અસર આઠેક ટકા સુધી આવી જતી હોય છે.

લોકડાઉન સમયે માઇનીગ કંપનીઓને ખૂબ જ નુકસાન થયું હતું. નુકસાનીમાંથી બહાર નીકળવા માટે પહેલાં પોલીશ્ડના ભાવમાં વધારો કરીને હીરા બજારને ઊંચું લઈ જવામાં આવ્યું હતું અને બાદમાં રફના ભાવમાં ધીમે ધીમે વધારો કરવામાં આવ્યો હતો. અને હવે ફરી બજાર તોડવામાં આવતા મોંઘા ભાવની રફ ખરીદનારા ભેરવાઈ ગયાં છે, એમ કિર્તી શાહે જણાવ્યું હતું.

City News

Sports

RECENT NEWS