બહેન સાથે વાત કરનારને ઠપકો આપતા પિતા પુત્રને છરીના ઘા મારતા પિતાનું મોત

અમદાવાદ, સોમવાર
નારોલમાં આવેલા રાધે હોમ્સમાં બહેન સાથે વાતચીત કરતા યુવકને ઠપકો આપવા બાબતે ગઇકાલે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ચાર લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને છરી પાઇપથી હુમલો કરતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે ચાર લોકો સામે ખૂન હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી છે.
ઠપકો આપવા બાબતની તકરારમાં ઘાતક હુમલો ઃ નારોલ પાલીસે ચાર સામે ખૂન, હત્યાની કાશિષ સહિતનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી
બિહારના વતની અને નારોલ વિસ્તારમાં યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા વિનય તથા અભિષક અને સાહીલ તેમજ બિપીન સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક મકાનના નીચેના ભાગે તેમના કાકા તેમના પરિવાર સાથે રહે છે. ગઇકાલે રવિવારે ઘરની નીચે બુમાબુમ થતાં તે ત્યાં ગયા હતા. ત્યારે ફરિયાદીના કાકાના દિકરા સત્યમ સાથે કેટલાક શખ્સો બોલાચાલી ઝગડો કરતા હતા. મારામારી કરતી વખતે એક શખ્સે કાકાના દિકરા પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી ફરિયાદી અને તેમના કાકા યુવકને બચાવવા વચ્ચે પડયા હતા.
ત્યારે ચાર શખ્સો પૈકીના લોકોએ ફરિયાદી અને તેમના કાકા પર પણ છરી વડે હુમલો કરી દીધો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતા આ તમામ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ફરિયાદી અને તેમના કાકા તથા કાકાના દિકરાને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડયા હતા. નારોલ ઇન્સપેક્ટર પી. સી. દેસાઇએ જણાવ્યું કે ઇજાગ્રસ્ત સત્યમની બહેનને આદિત્ય નામના યુવક સાથે વાતચીત થતી હોવાની શંકાના આધારે ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં ચાર લોકોએ હથિયારથી હુમલો કર્યા હતો જેમાં પિતાનું મોત થયું હતુ.








