સુરતમાં ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચાણ બદલ એક વર્ષમાં 57.67 લાખનો દંડ વસુલાયો
Surat Food Safety : ખાણી પીણીના શોખીન સુરતીઓને ફુડ સારી ક્વોલિટીનું મળે તે માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાધ સામગ્રી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાએ વર્ષ 2024 અને આ સાલના જુલાઈ મહિના સુધીમાં શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી ખાધ સામગ્રીના સેમ્પલ લીધા હતા. તેમાંથી સબ સ્ટાન્ડર્ડ 210, મિસ બ્રાન્ડ 18, અને અનસેફ 9 નમૂના જાહેર થયા 395 કેસના ચુકાદા આવી ગયાં છે. આ દોઢ વર્ષ જેટલા ગાળામાં એક બે નહીં પરંતુ 9 નમુના અનસેફ જાહેર થયાં છે તે સુરતીઓ માટે જોખમી બની રહે છે.
વિશ્વમાં સ્વાદ માટે વિખ્યાત સુરતનું જમણ હવે લોકોના આરોગ્ય સામે ખતરારૂપ બની રહ્યું છે. સુરતીઓને ખાણી પીણીના દુકાનદારો ગુણવત્તાવાળો અને સલામત ખોરાક પીરસે છે કે નહીં તે જોવાની કામગીરી પાલિકાના ફૂડ વિભાગની છે. આ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પાલિકાના સ્ટાફની સંખ્યા અને તેની સામે ખાણી પીણીની દુકાનોની સંખ્યા વચ્ચે વિસંગતતા છે. ઓછા સ્ટાફથી પાલિકા કામગીરી કરી રહી છે અને તેમાં પણ નમુના લઈ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલી રહી છે. સમયાંતરે ખાણી પીણીની દુકાનોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાની કામગીરી કરતા ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ સતર્ક થયાં છે તેમ છતાં છેલ્લા દોઢ વર્ષના પાલિકાના ફૂડ વિભાગના કામગીરી કરી છે તેના લેબ રિપોર્ટ સુરતીઓને ચોંકાવી દે તેવા જાહેર થયા છે.
સુરત પાલિકાના ફુડ વિભાગે વર્ષ 2024 અને હાલ જુલાઈ મહિના સુધી ફુડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલ્યા હતા. જેમાંથી 9 નમૂના અનસેફ જાહેર થયા છે જે ચોંકાવનારો આંકડો છે. આ ઉપરાંત 210 નમુના સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે અને 18 નમુના મીસ બ્રાન્ડ જાહેર કરાયા છે.
પાલિકાએ લીધેલા નમુનો લેબ ટેસ્ટીંગમાં નિષ્ફળ જાય એટલે પાલિકા તંત્ર દ્વારા દુકાનદાર સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. પાલિકાએ ટેસ્ટ લેબમાં નિષ્ફળ ગયાં જેમાંથી 395 કેસમાં કોર્ટમાં નિકાલ કરવામાં આવ્યો છે.
મિસ બ્રાન્ડ એટલે શું : ખોટી બ્રાન્ડ અથવા લેબલિંગ ખામીઓ
સબ સ્ટાન્ડર્ડ એટલે શું : ખોરાકના નમુના જે એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ કરતાં ઉતરતી કક્ષાની હોય તેવી વસ્તુ
અન સેઈફ એટલે : પાલિકા જે નમુના લે છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલે છે જ્યાં ખોરાકની અંદર રહેલી વસ્તુ લોકોના આરોગ્ય માટે હાનિકારક અને લોકોને નુકસાન થાય છે તેવો ખોરાક