Get The App

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિ પાસેથી 39 હજારનો દંડ વસૂલાયો 1 - image

- કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં ઝુંબેશ 

- શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ૩૨૬ વ્યક્તિ પાસેથી કુલ રૂપિયા ૩૯, ૭૧૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.

વિશ્વભરમાં વધી રહેલા તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા માટે ભારત સરકાર દ્વારા 'રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ' અમલમાં છે. આ દિશામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ગણેશ ચોકડી, બાકરોલ, કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, લાંભવેલ અને ગામડી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન કરતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરી તમાકુ વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ કલમ-૪ અંતર્ગત ૪૭ વ્યક્તિઓ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તમાકુ વેચવા તેમજ ખરીદવા બદલ કલમ-૬ અ હેઠળ ૨૩૮ વ્યક્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરવા બદલ કલમ-૬ બ અન્વયે ૪૧ વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી દંડ પેટે રૂ. ૩૯,૭૧૦ જેટલી રકમ વસૂલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દરરોજ અંદાજે ૩,૭૦૦ લોકો તમાકુના વ્યસનને કારણે જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની દંડનીય કાર્યવાહી સતત ચાલુ રહેશે.