Get The App

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીના ભાઈ પોલીસ કર્મચારી સહિતના પરિવારનો હંગામો

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીના ભાઈ પોલીસ કર્મચારી સહિતના પરિવારનો હંગામો 1 - image


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીના ભાઈ એવા પોલીસ કર્મચારી સહિતના ચાર શખ્સોએ બહેનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો, અને બહેનના દિયરના માથા પર પોલીસ કર્મીએ લોખંડનો પાઈપ ફટકારી માથું ફોડી નાખ્યાની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ મૂળજીભાઈ વાઘેલા નામના 28 વર્ષના યુવાને પોતાના માથા પર લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના વતની અને કાલાવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા દિનેશ પુંજાભાઈ બગડા નામના પોલીસ કર્મચારી અને તેના પરિવારના ત્રણ અન્ય સભ્યો માધા પુંજાભાઈ બગડા, ધર્મેશ માધાભાઈ બગડા, અને રમેશ માધાભાઈ બગડા સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની જાહેર કરાયા અનુસારની વિગતો એવી છે કે ફરિયાદી મનસુખ કે જેના મોટાભાઈ પ્રવીણ વાઘેલાના લગ્ન આરોપી પોલીસ કર્મચારી દિનેશ બગડાના બહેન દમયંતીબેન સાથે થયા હતા. જયાં દમયંતીબેન ને ત્રાસ આપી વધુ પડતું કામ કરાવીને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવું ઉપરાણું લઈને પોલીસ કર્મચારી સહિતના તમામ આરોપીઓ ગઈકાલે બહેનના સાસરે ધસી આવ્યા હતા.

જ્યાં હાજર રહેલા દમયંતીબેન ના દિયર મનસુખભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેને માથામાં પાઇપ વાગ્યો હોવાથી માથું ફૂટી ગયું હતું, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. 

આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કાલાવડના પી.એસ.આઇ જે.એસ. ગોવાણી અને તેઓની ટીમના મયુરસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી સહિતની પોલીસ ટુકડીએ કાલાવડની સરકારી હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગયા બાદ આરોપી પોલીસ કર્મચારી દિનેશ બગડા સહિત ચાર આરોપીઓ સામે હુમલા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધ ખોળ ચલાવાઇ રહી છે.

Tags :