Gujarat

વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા

By GS TEAM
20 Dec 20252 mins read
વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા

અમદાવાદ,શનિવાર,20 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ  કોર્પોરેશનના યુનિયન દ્વારા ચલાવાતી હોય એવો ઘાટ સર્જાયો છે.વી.એસ.મા ફરજ બજાવતી સ્ટાફ નર્સને રોટેશન મુજબ એલ.જી.તથા શારદાબેન હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર થવાનુ હોય છે. આમ છતાં શહેરના મેયર અને વી.એસ.બોર્ડના ચેરમેન ૪૦ હોસ્પિટલના ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી શકયા નથી.૪૦ પૈકી ૨૩ નર્સોને યુનિયનના ઈશારે તેમના ઘરથી નજીક આવેલા કોર્પોેરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં ટ્રાન્સફર આપવી પડી હતી.

વી.એસ.હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી હોવાથી દર ત્રણ મહિને સ્ટાફ નર્સની એલ.જી.તથા શારદાબેન હોસ્પિટલ ખાતે બદલી કરવામા આવતી હોય છે. આ અંગે અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર પણ કરવામા આવેલો છે.વી.એસ.હોસ્પિટલમાં હાલ કોર્પોરેશનના અલગ અલગ યુનિયનો સક્રીય થયેલા છે. વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ કમિશનરના પરિપત્ર મુજબ એલ.જી.તથા શારદાબેન હોસ્પિટલમાં રોટેશન મુજબ ફરજ બજાવવા હાજર નહીં થતો હોવાનો અગાઉ વિવાદ થયો હતો. એ સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ૪૦ કર્મચારીઓ તેમને બતાવવામા આવેલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવવા હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી એ વાતનો પણ ફિયાસ્કો થયો છે.હોસ્પિટલની ૨૩ સ્ટાફ નર્સને તો તેમના ઘરની નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી ઉપર હાજર કરી દેવાયા છે.હજુ ૧૭ સ્ટાફ નર્સની તેમની મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મેટર્ન પાસેથી ચોપડો છીનવી બહાર લઈ જઈને ચોપડામા હાજરી પુરવાની ફરિયાદ છતાં કોઈની સામે કોઈ કાર્યવાહી નહીં કરાય.૨૦ દિવસથી  કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમા ફરજ ઉપર હાજર નહીં થનાર એકપણ સ્ટાફ નર્સનો પગાર પણ નહીં કપાય.

ચૂંટણી પહેલા ભાજપના હોદ્દેદારો યુનિયનના ઘૂંટણીયે પડયા

આગામી ફેબુ્આરીમા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરના મેયર સહિતના અન્ય પદાધિકારીઓ કોર્પોરેશનના વિવિધ યુનિયનોને નારાજ કરવા માંગતા ના હોય એમ તેમના ઘૂંટણીયે પડી તેમની દરેક બાબતને મૌન રહી સ્વીકારી રહયા છે.