Gujarat

આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત

By GS TEAM
5 Feb 20262 mins read
આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત

- વાસદ-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન

- ઉત્તર પ્રદેશનો પરિવાર 45 દિવસના ભારત ભ્રમણના પ્રવાસે નીકળ્યો હતો, અજાણ્યા વાહન ચાલક સામે ગુનો

આણંદ : ભારતના વિવિધ રાજ્યોના ધામક સ્થળોના દર્શને નીકળેલા ઉત્તર પ્રદેશના એક પરિવાર માટે ગુજરાતનો પ્રવાસ માતમમાં ફેરવાયો છે. વાસદ-બગોદરા હાઈવે પર આસોદર રેલવે બ્રિજ નજીક એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના વતની સીતારામ યાદવ (ઉં.વ. ૭૨) તેમના પરિવાર અને અન્ય ગ્રામજનો સાથે 'ગૌરવ ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસમાં ૪૫ દિવસના ભારત ભ્રમણના પ્રવાસે નીકળ્યા હતા. ગત તારીખ ૩ ફેબુ્રરીના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે તેમની બસ સોમનાથ અને દ્વારકા જવા માટે નીકળી હતી. આ દરમિયાન જમવાનું બનાવવા માટે આસોદર રેલવે બ્રિજ પાસે આવેલ એક ફાર્મ નજીક બસ ઉભી રાખવામાં આવી હતી.

સાંજના આશરે સવા પાંચ વાગ્યાની આસપાસ, સીતારામભાઈની નાની બહેન ગુજરાતીદેવી (રહે. સિદ્ધાર્થનગર, યુ.પી.) રોડ ક્રોસ કરી સામેની બાજુ ચા પીવા ગયા હતા. ચા પીને પરત ફરતી વખતે વાસદ તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક પોતાની ગાડી લઈ સ્થળ પરથી નાસી છૂટયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગુજરાતીદેવીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી તેમને વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના ભાઈ સીતારામ યાદવે આંકલાવ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.