આણંદના બોરિયાવી ગામમાં બાઈકની ટક્કરે રાહદારી મહિલાનું મોત

- દવાખાનેથી બે બહેનો પરત ફરતા અકસ્માત
- ઈજાગ્રસ્ત મહિલાને વડોદરા લઈ જતી વખતે તબિયત વધુ લથડતા આણંદ પરત લાવવી પડી
બોરીયાવી ગામે ભઈજીપુરા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મફતભાઈ રાઠોડની માતા જશોદાબેન મફતભાઈ રાઠોડ ગઈકાલ સાંજના સુમારે નંદાબેન રાઠોડ સાથે બોરીયાવી ખાતે આવેલ દવાખાને ગયા હતા જ્યાંથી બંને બહેનો ચાલતા પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન કલ્યાણવાડી નજીક સામેથી પુરપાટ ઝડપે આવી ચળેલ એક અજાણ્યા બાઈક ચાલકે જશોદાબેનને અડફેટે લેતા બાઈકની ટક્કરે જશોદાબેન રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જાણ થતા ૧૦૮ની ટીમે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જશોદાબેનને તુરંત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કરાયું હતું પરંતુ, રસ્તામાં તેઓની તબિયત વધુ બગડતા તેમને તુરંત જ આણંદની જનરલ હોસ્પિટલમાં ફરીથી લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તપાસીને જશોદાબેનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે વિપુલભાઈ મફતભાઈ રાઠોડની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








